Jaish e Mohammed suspected terrorist Mohammad Shahrul Islam 14 days remand: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ વડોદરા નજીકથી ઝડપી પાડેલા જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) ના શંકાસ્પદ આતંકી મોહમ્મદ શહરુલ ઇસ્લામને આજે વાઘોડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જે અંતર્ગત તે આગામી 10 ડિસેમ્બરના રોજ સાંજે 4 વાગ્યા સુધી ATS ની કસ્ટડીમાં રહેશે. આ સમયગાળા દરમિયાન સુરક્ષા એજન્સી આતંકીના નેટવર્ક અને તેના મનસૂબા અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે.
હથિયારનો જથ્થો, સાગરીતો અને નિશાન અંગે ATS કરશે પૂછપરછ
રિમાન્ડ દરમિયાન ગુજરાત ATS દ્વારા સમગ્ર ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે નીચેના મુખ્ય મુદ્દાઓ પર તપાસ કેન્દ્રિત કરવામાં આવશે. આરોપી આ ઘાતક હથિયારો સાથે ક્યાં જઈ રહ્યો હતો અને તેના નિશાના પર કોણ હતું તેની વિગતો મેળવવામાં આવશે. આ નેટવર્કમાં તેના અન્ય સાગરીતો કોણ છે અને રાજ્યમાં કે દેશમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ થશે. AK-47 રાઇફલ ક્યાંથી લાવવામાં આવી હતી અને તેનો ઉપયોગ કયા હેતુસર કરવાનો હતો તે સહિતના તમામ પાસાં તપાસવામાં આવી રહ્યા છે.
જરોદ બસ સ્ટેન્ડ પાસે બાતમીના આધારે થઈ હતી ધરપકડ
આ સમગ્ર ઓપરેશનની ગુજરાત ATS એ વડોદરાના જરોદ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને આ શંકાસ્પદ આતંકીને દબોચી લીધો હતો. ATS ને જરોદ વિસ્તારમાં ગેરકાયદે હથિયાર હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ટીમે જરોદ બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવીને તપાસ હાથ ધરી હતી.
આસામનો રહેવાસી અને ઘાતક હથિયારો કબજે
કાર્યવાહી દરમિયાન મૂળ આસામના રહેવાસી મોહમ્મદ શહરુલ ઈસ્લામને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી એક AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ મળી આવતાં તે તમામ હથિયારો કબજે કરવામાં આવ્યા હતા.








