Iron slab breaks at under construction: ગાંધીનગરના વ્યસ્ત કુડાસણ વિસ્તારમાં બુધવારે રાત્રે બાંધકામ સાઈટ પર ગંભીર દુર્ઘટના સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. રાત્રે આશરે સવા નવ વાગ્યે 'બોસકી ધ એમ્પાયર' નામની કોમર્શિયલ બાંધકામ સાઈટ પર બે યુનિટ વચ્ચે ઊભો કરવામાં આવી રહેલો લોખંડનો સ્લેબ અચાનક ધડાકાભેર ધરાશાયી થયો હતો. સ્લેબ નીચે કામ કરી રહેલા આશરે 10 જેટલા મજૂરો દટાયા હોવાની આશંકા છે, જેમાંથી ચાર મજૂરોને અત્યાર સુધીમાં રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે.
ગાંધીનગર ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા. અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ અને રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનો દ્વારા ભારે કાટમાળ હટાવીને તેની નીચે ફસાયેલા મજૂરોને શોધી બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
સાઈટ પર આશરે 10 મજૂરો કામ કરી રહ્યા હતા
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે બાંધકામ સાઈટ પર આશરે 10 મજૂરો કામ કરી રહ્યા હતા. કાટમાળમાંથી બહાર કઢાયેલા મજૂરોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સની ટીમો પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા.
બચાવ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી
મોડી રાત સુધી પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કેટલા મજૂરો ખરેખર કાટમાળમાં ફસાયા છે અથવા કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નહોતી. હાલ બચાવ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને કાટમાળ હટાવીને વધુ કોઈ મજૂર ફસાયેલો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. દુર્ઘટનાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પણ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે.








