International Kite Festival Surat: સુરત શહેરમાં દર વર્ષે ઉત્તરાયણને અનુલક્ષીને યોજાતું ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ આ વર્ષે પણ ભવ્ય રીતે આયોજિત થવા જઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સંયુક્ત આયોજન હેઠળ આગામી 10 જાન્યુઆરીના રોજ અડાજણ વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ પાસે આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું પતંગ મહોત્સવ યોજાશે. આ ઉત્સવને સફળ બનાવવા માટે સંબંધિત તમામ વિભાગો દ્વારા સઘન અને વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
કાઈટ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?
રાંદેર ઝોનમાં આવેલા રિવરફ્રન્ટની આસપાસના પ્લોટમાં આ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળની સફાઈ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, સ્ટેજ સજાવટ, લાઈટિંગ અને અન્ય જરૂરી સુવિધાઓ માટે અલગ-અલગ વિભાગોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ માટે જરૂરી તમામ માળખાકીય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જ્યારે જિલ્લા કલેક્ટર કચેરી અને પ્રવાસન વિભાગ પણ આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
દેશ-વિદેશના કુલ 94 જેટલા પતંગબાજો ભાગ લેશે
આ વર્ષે આયોજિત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના કુલ 94 જેટલા પતંગબાજો ભાગ લેશે, જે પોતાની કળા અને અવનવી કલ્પનાશક્તિથી તૈયાર કરેલા પતંગો સાથે આકાશમાં કરતબો બતાવશે. વિદેશી પતંગબાજોમાં બહેરીન, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ જેવા દેશોના કુલ 45 પ્રતિનિધિઓ સામેલ થશે. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ પતંગબાજો આવશે, જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ અને કેરલના 20 પતંગબાજો ભાગ લેશે.
ગુજરાતમાંથી 29 જેટલા પતંગબાજો જોડાશે
ગુજરાતમાંથી 29 જેટલા અનુભવી અને ઉત્સાહી પતંગબાજો આ મહોત્સવમાં જોડાશે. આ રીતે દેશ અને વિદેશના પતંગબાજોની હાજરીથી સુરતનું આકાશ રંગબેરંગી અને આકર્ષક પતંગોથી શોભશે. અલગ-અલગ આકાર, કદ અને ડિઝાઇનના પતંગો દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ફેસ્ટિવલ માત્ર પતંગબાજો પૂરતો સીમિત નથી
આ કાઈટ ફેસ્ટિવલ માત્ર પતંગબાજો પૂરતો સીમિત નહીં રહે, પરંતુ સુરત શહેરના રમતવીરો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો પણ તેમાં જોડાશે. પરિવાર સાથે આવનાર લોકો માટે આ કાર્યક્રમ એક યાદગાર અનુભવ બની રહેશે. સુરતવાસીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની પતંગકળા જોવા મળશે. સુરતના રિવરફ્રન્ટ પર યોજાનાર આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ શહેરની ઓળખને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવશે અને પ્રવાસન ક્ષેત્રને પણ નવી દિશા આપશે.








