Surendranagar Crime:સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ સ્થિત વહાણવટી નગરમાં માનવતાને શરમસાર કરતી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સમાજમાં સુધારણા કે ‘શુદ્ધિકરણ’ના બહાના હેઠળ એક પરિણીત મહિલા અને તેના પ્રેમી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. પ્રેમસંબંધના કારણે ઘર છોડીને ભાગી ગયેલા આ યુગલને પરત લાવ્યા બાદ તેમની સાથે જે વર્તન કરવામાં આવ્યું, તેણે સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચાવી દીધી છે. કુરિવાજો અને અંધશ્રદ્ધાના ઓથા હેઠળ આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધથી સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘર છોડીને ભાગેલા યુગલને શોધીને ઘરમાં કેદ કરી દેવાયા
મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગરના દુધરેજ વિસ્તારમાં રહેતી એક પરિણીતા પોતાના પ્રેમી સાથે અચાનક ઘર છોડીને નીકળી ગઈ હતી. આ બાબતની જાણ થતાં પરિણીતાના પતિ તેમજ પરિવારના અન્ય સભ્યોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. અંતે બંનેને શોધી કાઢવામાં આવ્યા હતા અને બળજબરીપૂર્વક દુધરેજ પરત લાવવામાં આવ્યા હતા. પરત લાવ્યા બાદ મહિલાને એક ઘરમાં બંધ કરી દેવામાં આવી હતી અને તેના પર માનસિક તથા શારીરિક અત્યાચાર ગુજારવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
'શુદ્ધિકરણ'ના નામે સામૂહિક દુષ્કર્મ અને અમાનુષી અત્યાચાર
પરિણીતાને ઘરમાં ગોંધી રાખ્યા બાદ સમાજમાં પાછા લાવવાના કે ‘શુદ્ધિકરણ’ કરવાના નામે અત્યંત શરમજનક કૃત્ય કરવામાં આવ્યું હતું. પીડિત મહિલા પર તેણીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ દરમિયાન મહિલાને કોઈ પણ પ્રકારની મદદ મેળવવાથી વંચિત રાખવામાં આવી હતી. અંધશ્રદ્ધા અને કુરિવાજોનું બહાનું ધરીને મહિલાના આત્મસન્માન અને શરીર પર કૌરવતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો.
યુવકને ઝાડ અને ખાટલા સાથે બાંધી પેશાબ પીવડાવવામાં આવ્યો
આ ક્રૂરતા માત્ર મહિલા પૂરતી સીમિત ન હતી. તેની સાથે આવેલા પ્રેમી યુવક પર પણ અમાનુષી અત્યાચાર આચરવામાં આવ્યો હતો. યુવકને દોરડા વડે ઝાડ અને ખાટલા સાથે મજબૂતીથી બાંધી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને બેરહેમીથી ઢોરમાર મારવામાં આવ્યો હતો. હેવાનીયતની પરાકાષ્ઠા તો ત્યારે સર્જાઈ જ્યારે અત્યાચારના ભાગરૂપે યુવકને પેશાબ પીવડાવવાની પણ ફરજ પાડવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી
આરોપીઓએ પોતાના આ ભયાનક કૃત્યનો વીડિયો પણ બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ વીડિયો વાયરલ થતાં જ સુરેન્દ્રનગર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મહિલા ASP અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આ આઘાતજનક વિડિયો આવતા જ તેમણે ત્વરિત અને સખત પગલાં લેવાના આદેશ આપ્યા હતા. પોલીસે ગુનો નોંધીને ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પતિ સહિત 2 મહિલાઓ અને 7 પુરુષો મળી કુલ 9 આરોપી ઝડપાયા
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મુખ્ય સૂત્રધાર પતિ રમેશ સરવૈયા સહિત કુલ 9 આરોપીઓની અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં રમેશ સરવૈયા, જયંતી સરવૈયા, ભરત સરવૈયા, જીતુ સરવૈયા, પપ્પુ પરમાર, કલા સરવૈયા ઉપરાંત ગીતાબેન સરવૈયા અને લીલાબેન સરવૈયા નામની બે મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે તમામ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડાની કડક ચેતવણી: ગુનેગારોને બક્ષવામાં નહીં આવે
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આ મામલે સ્પષ્ટ જણાવ્યું છે કે શુદ્ધિકરણ કે કુરિવાજોની આડમાં આ પ્રકારના અમાનુષી અને જઘન્ય ગુના આચરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કાયદો હાથમાં લેનારા અને મહિલા પર અત્યાચાર ગુજારનારા તમામ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શક્ય તમામ શખ્સોની પણ શોધખોળ હાથ ધરી છે.








