Illegal coal mining raid Gujarat: ગઈકાલે ચોટીલા ઉપવિભાગ હેઠળ આવેલા સાયલા તાલુકાના મોજે ચોરવીરા ગામની હદમાં આવેલી સરકારી પડતર જમીન પર મોટા પાયે ગેરકાયદેસર રીતે ચાલતું કોલસા ખનન વહીવટી તંત્ર દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. રેવન્યુ સર્વે નં. 931 વિસ્તારમાં નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા (ચોટીલા) અને તેમની ટીમ દ્વારા તારીખ 25/12/2025ના રોજ બપોરના સમયે આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન જમીનમાં ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન થતું હોવાનું સામે આવ્યું છે.
લાખોનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન ખનન માટે ઉપયોગમાં લેવાતા અનેક વાહનો અને સાધનો સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા. તેમાં ત્રણ ટ્રેક્ટર, ચાર જનરેટર મશીન, આઠ ચરખી, આઠ બકેટ, ચાર બાઇક તેમજ અંદાજે 100 મેટ્રિક ટન કોલસાનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 25,10,000 થાય છે. જપ્ત કરાયેલ સમગ્ર મુદ્દામાલને કાયદેસર કાર્યવાહી માટે મામલતદાર શ્રી સાયલા ખાતે સોંપવામાં આવ્યો છે.
25 મજૂરોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કોલસાનું ખનન જમીનમાં ખોદાયેલા કૂવામાં કરવામાં આવી રહ્યું હતું, જેનાથી મજૂરોના જીવને ગંભીર જોખમ ઊભું થયું હતું. કાર્યવાહી દરમિયાન કુલ 25 મજૂરોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રની સમયસરની કાર્યવાહીથી મોટો અકસ્માત ટળ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ કાર્યવાહી
નાયબ કલેક્ટર શ્રી મકવાણાએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન જે વ્યક્તિઓના નામ બહાર આવશે, તે તમામ ઇસમો તેમજ સંડોવાયેલા વાહન માલિકો સામે The Gujarat Mineral Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017 મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ તેમજ તડીપારની કાર્યવાહી હાથ ધરવા માટે મામલતદાર શ્રી સાયલાને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
સરપંચ અને તલાટી વિરુદ્ધ પણ નિયમોનુસાર કાર્યવાહી
ઉપરાંત, આ સમગ્ર ઘટનામાં ફરજમાં બેદરકારી અથવા સંડોવણી હોવાની શંકાના આધારે ચોરવીરા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ પણ નિયમોનુસાર કાર્યવાહી કરવા મામલતદાર શ્રી સાયલાને સૂચના આપવામાં આવી છે. આ પગલું ગ્રામ્ય સ્તરે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનાર સામે કડક સંદેશ આપતું માનવામાં આવી રહ્યું છે. પ્રશાસનની આ કડક કાર્યવાહીને કારણે સાયલા તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, સરકારી જમીન પર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.








