Horrific Accident on Vataman Bagodara Highway: અમદાવાદ જિલ્લામાંથી પસાર થતા વટામણ-બગોદરા હાઈવે પર મેમર ગામ નજીક મોડી રાત્રે એક અત્યંત દર્દનાક અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અંધારાના સમયે હાઈવે પરથી પસાર થઈ રહેલા પશુઓના ટોળા પર એક પુરપાટ ઝડપે આવતી અજાણી ટ્રક ફરી વળી હતી. આ ભયાનક ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ 8 જેટલાં નિર્દોષ પશુઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી અને પશુઓની ચીસથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો.
અકસ્માત સર્જી કાળમુખો ટ્રક ચાલક મોકા પરથી ફરાર
અકસ્માતની આ ભયાનક ઘટનાને અંજામ આપ્યા બાદ ટ્રક ચાલક વાહન સાથે અંધારાનો લાભ ઉઠાવીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે સ્થાનિકો અને વાહનચાલકોને જાણ થતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ તંત્ર અને સ્થાનિકોની મદદથી જેસીબી (JCB) મશીન બોલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રોડ પર પડેલા મૃત પશુઓને ઊંડો ખાડો કરીને દફનાવીને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
ચોમાસા દરમિયાન બગોદરા હાઈવે પશુઓ માટે બની રહ્યો છે ડેથ ટ્રેપ
વટામણ-બગોદરા અને બાવળા-બગોદરા હાઈવે પર પશુઓ માટે અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ શરૂ થાય ત્યારથી જ રોડ પર પાણી ભરાવા કે અંધારાના કારણે વાહનચાલકોને રસ્તા પરના પશુઓ દેખાતા નથી, જેના કારણે દૈનિક 2 થી 3 પશુઓ વાહનોની ટક્કરે આવીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બને છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચાલુ ચોમાસા દરમિયાન જ આ હાઈવે પર અકસ્માતોના કારણે 30થી વધુ પશુઓ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 25થી વધુ પશુઓ કાયમી ધોરણે વિકલાંગ કે ગંભીર રીતે ઘવાયા છે.
જીવદયા પ્રેમીઓ દ્વારા ત્વરિત સારવાર અને ગૌશાળામાં સ્થળાંતરઅકસ્માતની કોઈ પણ ઘટના બને ત્યારે બાવળા અને આસપાસના જીવદયા પ્રેમીઓ તથા ગૌસેવકો તાત્કાલિક સ્થળ પર પહોંચી જાય છે. ઇજાગ્રસ્ત પશુઓને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવે છે. જો પશુની હાલત વધુ ગંભીર હોય અને વધુ સારવારની જરૂર જણાય, તો તેમને તાત્કાલિક ધોરણે ભાભર ગૌશાળા કે અન્ય એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવે છે. જીવદયા પ્રેમીઓ રાત-દિવસ જોયા વગર પશુઓની સેવામાં સતત કાર્યરત રહે છે.
બેફામ દોડતા વાહનો અને રખડતા પશુઓ પર અંકુશ લાવવા માંગ
આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે હાઈવે પર ઓવરસ્પીડિંગ કરતા વાહનચાલકો સામે પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ હાઈવે પર પશુઓ રખડતા ન આવે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને સ્પીડ લિમિટ જાળવવા માટે સ્પીડ બ્રેકર કે સીસીટીવી કેમેરા જેવા સુરક્ષાના પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.








