Himmatnagar AP Consultancy Fraud: સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોના લાખો રૂપિયા હડપ કરી જવાનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. 'AP કન્સલ્ટન્સી' નામે ઓફિસ ખોલીને રોકાણકારોને ક્રિપ્ટોકરન્સી અને અન્ય સ્કીમોમાં 10 થી 15 ટકા માસિક વ્યાજની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 7 રોકાણકારોએ કુલ ₹53 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સરકારી કર્મચારીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવ્યા
આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અનિલસિંહ પરમાર છે, જે પોતે આરોગ્ય વિભાગમાં કરાર આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. તેણે પોતાની વગ અને વિશ્વાસનો ઉપયોગ કરી આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને નિશાન બનાવ્યા હતા. હિંમતનગરના આરટીઓ ચાર રસ્તા વિસ્તારમાં ભાડે ઓફિસ રાખી તેણે રોકાણકારોને જાળમાં ફસાવ્યા હતા. ભોગ બનનારાઓમાં હિંમતનગર સિવિલના નર્સ દંપતી સહિત સાત લોકોનો સમાવેશ થાય છે. આ કૌભાંડીઓએ છેલ્લા પાંચ વર્ષથી 'જય માતાજી ફાઇનાન્સ' અને 'AP કન્સલ્ટન્સી'ના નામે આ જાળ બિછાવી હતી.
રાજસ્થાન સુધી ફેલાયેલું હતું નેટવર્ક
સાબરકાંઠા જિલ્લા પોલીસવડા (SP) ડો. પાર્થરાજસિંહ ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ટોળકીએ માત્ર હિંમતનગરમાં જ નહીં પરંતુ ખેડબ્રહ્મા, વડાલી અને પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ પોતાની ઓફિસો ખોલી હતી. રોકાણકારોને શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે થોડું વળતર આપવામાં આવતું હતું. ફરિયાદ મુજબ, 53 લાખના રોકાણ સામે આરોપીઓએ 13 લાખનું વળતર ચૂકવ્યું હતું, પરંતુ છેલ્લા છ મહિનાથી વળતર આપવાનું બંધ કરી રાતોરાત ઓફિસોને તાળા મારી આખી ટોળકી ફરાર થઈ ગઈ હતી.
આરોપીઓની વિગત અને પોલીસ કાર્યવાહી
પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધારની પત્ની સહિત છ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાંથી 4ની અટકાયત કરી લેવામાં આવી છે.
અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર-કંપની ડાયરેક્ટર-ફરાર
સુધીરસિંહ મકવાણા - અનિલસિંહનો સાળો-ફરાર
નીકીતાબેન અનિલસિંહ પ્રદીપસિંહ પરમાર-મુખ્ય આરોપીની પત્ની - અટકાયત
હિતેન્દ્રસિંહ સજ્જનસિંહ પરમાર-કંપનીના ડાયરેક્ટર - અટકાયત
રણવીરસિંહ સજજનસિંહ પરમાર-મુખ્ય આરોપીના કાકાનો દીકરો - અટકાયત
કૃપાલસિંહ પ્રદીપસિંહ પરમાર-મુખ્ય આરોપીનો ભાઈ - અટકાયત
છેલ્લા ચાર મહિનામાં છેતરપિંડીની 9 ફરિયાદો
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રોકાણ અને વિઝાના નામે છેતરપિંડીના કિસ્સાઓ વધ્યા છે. SP ડો. પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર મહિનામાં જ જિલ્લામાં આવી 9 ફરિયાદો નોંધાઈ છે. પોલીસે ઝડપાયેલા 4 આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અને તેમના રિમાન્ડ મેળવીને અન્ય ક્યાં-ક્યાં છેતરપિંડી આચરી છે તેની તપાસ કરવામાં આવશે. આ કૌભાંડનો આંકડો હજુ પણ વધવાની શક્યતા છે કારણ કે અન્ય જિલ્લાઓ અને રાજસ્થાનમાંથી પણ ભોગ બનનાર રોકાણકારો સામે આવી શકે છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ એજન્સી કે વ્યક્તિ દ્વારા અસાધારણ ઊંચા વળતરની લાલચ આપવામાં આવે તો સાવધ રહેવું અને સત્તાવાર નાણાકીય સંસ્થાઓમાં જ રોકાણ કરવું.








