Motilal Oswal Name Misuse Case Ahmedabad: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક મોટા નાણાકીય કૌભાંડનો ભાંડાફોડ થયો છે. 'એમ પી ગ્રુપ ઓફ કંપનીઝ'ના નામે ઓફિસ ચલાવતા મિહીર પરીખ અને તેના સાથીદારોએ કરોડો રૂપિયાનું ફાઇનાન્સિયલ ફ્રોડ કર્યું હોવાનો આરોપ છે. આ કેસમાં શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને લોકોને વિશ્વાસમાં લઇ મોટી રકમ મેળવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો?
માહિતી મુજબ આંબાવાડી વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલ, જે વટવા GIDC વિસ્તારમાં મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ મિહીર પરીખના સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે ઓળખાણ લાયન્સ ક્લબ મારફતે થઈ હતી. મિહીર પરીખે પોતે 'એમ પી ફિનકોર્પ' નામની કંપની ચલાવતા હોવાનું કહીને શેરબજારમાં રોકાણ કરવાથી વધુ નફો મળવાની લાલચ આપી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, તેની કંપનીનું મોતીલાલ ઓસવાલ કંપની સાથે જોડાણ છે. મિહીર પરીખની વાતો પર વિશ્વાસ કરીને મહેન્દ્રભાઈ પટેલે પોતાના પરિવારના સભ્યોના નામે અલગ-અલગ ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. ત્યારબાદ તબક્કાવાર રીતે આશરે 5.30 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.
માત્ર 2.72 કરોડ રૂપિયા જ પરત કરવામાં આવ્યા
મિહીરે મહેન્દ્રભાઈને જણાવ્યું હતું કે, ડીમેટ એકાઉન્ટ મોતીલાલ ઓસવાલમાં ખોલવામાં આવ્યા છે, પરંતુ ટ્રાન્ઝેક્શન તેની 'એમ પી ફિનકોર્પ' એપ્લિકેશનમાં દેખાશે. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હોવાથી મહેન્દ્રભાઈએ કોઈ શંકા વ્યક્ત કરી ન હતી, પરંતુ જ્યારે તેમણે પોતાનું રોકાણ પરત માંગ્યું ત્યારે મિહીર પરીખે બે-ત્રણ દિવસમાં રકમ પરત આપવાનો વાયદો કર્યો હતો. લાંબા સમય સુધી પૈસા ન મળતા માત્ર 2.72 કરોડ રૂપિયા જ પરત કરવામાં આવ્યા હતા, જ્યારે બાકી રહેલી મોટી રકમ અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં. આ પરિસ્થિતિથી શંકા ઉદભવતા મહેન્દ્રભાઈએ સીધા મોતીલાલ ઓસવાલની ઓફિસનો સંપર્ક કર્યો. ત્યાં તપાસ કરતા ખબર પડી કે તેમના નામે કોઈ પ્રકારનું ડીમેટ એકાઉન્ટ ખોલાયું જ નથી અને શેરબજારમાં કોઈ ખરીદી-વેચાણ કરવામાં આવ્યું નથી. આ વાત સામે આવતા સમગ્ર મામલો છેતરપિંડીનો હોવાનું સ્પષ્ટ થયું.
કરોડો રૂપિયાનો ગોટાળો
મહેન્દ્રભાઈ પટેલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મિહીર પરીખ અને તેના સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ ટોળકી માત્ર એક વ્યક્તિને નહીં, પરંતુ અન્ય ઘણા રોકાણકારોને પણ શેરબજારમાં નફો અપાવવાના બહાને ફસાવી ચૂકી છે. અંદાજે કરોડો રૂપિયાનો ગોટાળો થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ સમગ્ર નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે અને આરોપીઓએ કેટલા લોકોને ઠગ્યા છે તથા કુલ કેટલો નાણાકીય ગોટાળો કર્યો છે તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.








