Gujarat Liquor Smuggling Kingpin Vijay Sindhi: ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એક એવા કુખ્યાત બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે, જે રાજ્યમાં દારૂની હેરાફેરીનું મોટું સિન્ડિકેટ ચલાવતો હતો. આ વ્યક્તિ છે વિનોદ સિંધી ઉર્ફે વિજુ સિંધી, જે હાલમાં દુબઈમાં છે. તેના વિરુદ્ધ કુલ 153 ગુના નોંધાયેલા છે, જેમાં 72 કેસોમાં તે વોન્ટેડ છે. હવે તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા તેજ બની છે.
ઇન્ટરપોલની કાર્યવાહી અને દુબઈમાં ધરપકડ
ગુજરાત સરકારના વિનંતી બાદ સપ્ટેમ્બર 2022માં ઇન્ટરપોલે વિનોદ સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. આ નોટિસ બહાર પડતા જ દુબઈ પોલીસએ તેને અટક કરી હતી. તેની ધરપકડ 19 સપ્ટેમ્બર 2022ના રોજ થઈ હતી અને તેણે પાંચ અઠવાડિયા જેલમાં વિતાવ્યા હતા. બાદમાં, 25 ઓક્ટોબરે તેને 2 લાખ દિનાર (લગભગ ₹44 લાખ) ના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાયો
આ દરમ્યાન તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાયો હતો. દુબઈની કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં વિનોદ સિંધી ભારત ન ફરક્યો. ભારત સરકાર અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયત્નોથી તેની પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ તેની પરિવારે આ નોટિસ અને અરજીને ચેલેન્જ કરતા ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો.
હાઈકોર્ટમાં વિનોદ સિંધીની અરજી ફગાવી
વિનોદ સિંધીના વકીલોએ દલીલ કરી હતી કે તેના વિરુદ્ધ જે ગુનાઓ નોંધાયા છે તે બધા પ્રોહિબિશન અધિનિયમ હેઠળના સામાજિક ગુના છે, ગંભીર ક્રિમિનલ ગુના નહીં. તેથી રેડ કોર્નર નોટિસ કાયદેસર નથી. તેમણે દલીલ કરી હતી કે “પ્રોહિબિશન ગુનામાં રેડ કોર્નર નોટિસ કાઢી શકાતી નથી. દુબઈમાં પણ આવા ગુનાઓ માટે પ્રત્યાર્પણ લાગુ પડતું નથી.” કોર્ટ સમક્ષ વકીલોએ આ પણ રજૂ કર્યું હતું કે DG ઓફિસના રેકોર્ડમાં શરૂઆતમાં 38 ગુના દર્શાવવામાં આવ્યા હતા, પછી 146 અને બાદમાં 153 ગુનાઓ કેવી રીતે થયા તે સ્પષ્ટ કરવું જોઈએ. તેમજ રેડ કોર્નર નોટિસથી વિનોદ સિંધીના મૂલભૂત અધિકાર, ખાસ કરીને “સ્વતંત્ર રીતે ફરવાનો હક”, ભંગ થાય છે.
100 કરોડથી વધુની દારૂ હેરાફેરીમાં સામેલ હોવાની શક્યતા
પરંતુ સરકારી વકીલોએ કોર્ટને જણાવ્યું કે વિનોદ સિંધી સામે માત્ર દારૂના કેસ જ નહીં, પણ મની લોન્ડરીંગ, સ્મગલિંગ, આર્મ્સ એક્ટ, ટેક્સ ચોરી અને ત્રણ હત્યા જેવા ગંભીર ગુનાઓમાં પણ તે સંડોવાયેલો છે. ઉપરાંત તેની સામે ₹44 કરોડના હવાલા ટ્રાન્ઝેક્શનના પુરાવા મળ્યા છે, અને તે ₹100 કરોડથી વધુની દારૂ હેરાફેરીમાં સામેલ હોવાની શક્યતા છે. કોર્ટએ બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સ્પષ્ટ નોંધ્યું કે રેડ કોર્નર નોટિસ યોગ્ય કાનૂની પ્રક્રિયા અનુસરીને જારી કરવામાં આવી છે અને તેમાં અરજદારના કોઈ હકોનો ભંગ થતો નથી. તેથી હાઈકોર્ટએ વિનોદ સિંધીની અરજી ફગાવી દીધી.
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બૂટલેગર સામે રેડ કોર્નર નોટિસ
ગુજરાતના કડક દારૂબંધી કાયદા વચ્ચે, આ પહેલીવાર છે જ્યારે કોઈ બૂટલેગર સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હોય. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના સતત પ્રયત્નોથી આ નોટિસ બહાર પડી હતી. વિનોદ સિંધી લાંબા સમયથી દુબઈમાં રહેતો હતો. તપાસમાં ખુલ્યું કે તે ત્યાંથી પણ ગુજરાતમાં પોતાના દારૂના નેટવર્કનું સંચાલન કરતો હતો. તેની દીકરી જે દેશમાં અભ્યાસ કરતી હતી, ત્યાં તે વારંવાર જતો હતો.
વિનોદ સિંધીનું અંડરગ્રાઉન્ડ નેટવર્ક
વિનોદ સિંધીનું નેટવર્ક કોઈ કોર્પોરેટ કંપની જેવી સુવ્યવસ્થિત રચના ધરાવતું હતું. ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તેની પાસે દારૂની સપ્લાય ચેઇન હતી. કઈ ગાડીમાં દારૂ ભરવો, કઈ જગ્યાએ જીપીએસ લગાવવો, પોલીસને કેવી રીતે બચવું, કોને કેટલા રૂપિયા આપવાના આ બધું પહેલાથી નક્કી કરેલું હોતું. પ્રત્યેક ટ્રક અથવા ટેમ્પોમાં ભરેલા દારૂનું મોનિટરિંગ કરવા માટે તે પોતાના માણસોને અલગ અલગ વિસ્તારોમાં રાખતો હતો. ડિલિવરી બાદ આંગડિયા સિસ્ટમ અથવા હવાલા મારફતે રૂપિયા વસૂલ કરાતા. આ રીતે તેણે વર્ષો સુધી કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી કરી હતી.
લારીવાળાથી બૂટલેગર બનવાનો સફર
વિનોદ સિંધીનો જીવનપ્રવાસ પણ ફિલ્મી છે. એક સમયનો ફળની લારી ચલાવનાર વ્યક્તિ કેવી રીતે ગુજરાતનો સૌથી કુખ્યાત બુટલેગર બન્યો તે રસપ્રદ છે. વર્ષો પહેલાં તે મુકેશ હરજાણીના સંપર્કમાં આવ્યો, જે પહેલેથી જ દારૂના ધંધામાં હતો. મુકેશે જ વિનોદને આ વ્યવસાયમાં મોટો બનાવ્યો. સમય જતાં વિનોદે પોતાનું નેટવર્ક એટલું મોટું બનાવી દીધું કે રાજ્યમાં દારૂની હેરાફેરીની ચર્ચા તેની વિના અધૂરી ગણાતી હતી. મુકેશ હરજાણીની હત્યામાં પણ વિનોદનું નામ આવ્યું હતું, પણ પુરાવાના અભાવે તે કોર્ટમાંથી છૂટી ગયો હતો.
SMCએ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી
ગુજરાતના અનેક શહેરો ઉપરાંત રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલ આ સિન્ડિકેટ સામે કાયદા વિભાગે કડક પગલાં લીધા. સ્ટેટ મોનિટરિંગ સેલે GUJCTOC (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) હેઠળ તેની ગેંગ સામે કેસ દાખલ કર્યો. આ હેઠળ આશરે 7 જેટલા માથાભારે ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટના નિર્ણય બાદ હવે સ્પષ્ટ થયું છે કે વિનોદ સિંધીને ભારત પરત લાવવા માટે કાયદાકીય અવરોધો દૂર થઈ ગયા છે. સરકાર હવે દુબઈમાં તેની પ્રત્યાર્પણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની તૈયારીમાં છે.
સમાજ પર ગંભીર અસર
કોર્ટના શબ્દોમાં, “વિનોદ સિંધીની પ્રવૃત્તિઓ માત્ર કાયદાનો ભંગ જ નથી કરતી, પરંતુ સમાજ પર ગંભીર અસર કરે છે.” દારૂબંધીના રાજ્યમાં આવા સંગઠિત બુટલેગિંગ સિન્ડિકેટ સમાજના આરોગ્ય અને નૈતિકતાને ખલેલ પહોંચાડે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિનોદે જામીન મળ્યા બાદ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી અને વિદેશ ભાગી જવાની યોજના બનાવી હતી. હવે તેની ધરપકડ અને પ્રત્યાર્પણ થવાથી ગુજરાતમાં દારૂ હેરાફેરીના નેટવર્ક પર મોટો ઝટકો લાગશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.








