3 Gujarati Youths Kidnapped In Ethiopia: કોઈપણ ભોગે વિદેશ જઈને સ્થાયી થવાની ઘેલછા ક્યારેક હસતા-રમતા પરિવાર માટે આજીવનનું મોટું દુઃખ બની જતી હોય છે. ઉત્તર ગુજરાતમાંથી વધુ એક વખત ગેરકાયદે માર્ગે ડંકી રૂટથી અમેરિકા જવાની લ્હાયમાં ગુજરાતી યુવાનો વિદેશની ધરતી પર ફસાઈ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના એક જ કુટુંબના ત્રણ આશાસ્પદ યુવક-યુવતીઓ યુએસએ પહોંચે તે પહેલાં જ આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) અને અપહરણકારોની ખતરનાક ચુંગાલમાં હોમાઈ ગયા છે. આ ઘટનાને કારણે ત્રણેય પરિવારના જીવ અધ્ધર થઈ ગયા છે અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સ્થાનિક એજન્ટોની માયાજાળ અને અબુધાબીથી ઇથિયોપિયાની સફર
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા તાલુકાના વડસ્મા ગામનો યુવક જનસારી ઋત્વિક શૈલેષભાઈ, ગોઝારિયા ગામની યુવતી ચાવડા મમતાબેન ચિરાગભાઈ તેમજ ગાંધીનગરની રહેવાસી ગોપી નામની યુવતીએ અમેરિકા જવા માટે સ્થાનિક એજન્ટોનો સંપર્ક કર્યો હતો. એજન્ટે આ યુવાનોને સુરક્ષિત અને ચોક્કસ અમેરિકા પહોંચાડવાની મોટી મોટી વાતો કરીને જાળમાં ફસાવ્યા હતા. યોજના મુજબ, ત્રણેય યુવક-યુવતીઓને પ્રથમ જયપુરથી અબુધાબી મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને આફ્રિકન દેશ ઇથિયોપિયાના એક આઈસોલેટેડ 'GSF' કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ગેરકાયદે માફિયા ગેંગ સક્રિય છે.
70 લાખ ચૂકવ્યા છતાં પડ્યા પર પાટુ: 'ખાન' નામના શખ્સે માંગી રૂ. 1 કરોડની ખંડણી
વિદેશ મોકલવાના નામે સ્થાનિક એજન્ટે અગાઉથી જ આ પીડિત પરિવારો પાસેથી રૂ. 70 લાખ જેટલી તોતિંગ રકમ વસૂલ કરી લીધી હતી. પરિવારોને આશા હતી કે તેમના સંતાનો ટૂંક સમયમાં પોતાના સ્વપ્ન નગરી અમેરિકા પહોંચી જશે. પરંતુ ઇથિયોપિયા પહોંચતા જ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. ઇથિયોપિયાના કેમ્પમાંથી પરિવારોને એક ધમકીભર્યો ફોન આવ્યો, જેમાં 'ખાન' નામના શખ્સે ત્રણેય યુવક-યુવતીઓને બંધક બનાવી લીધા હોવાનું જણાવીને તેમને જીવતા છોડવા માટે વધુ રૂ.1 કરોડની તોતિંગ ખંડણીની માંગણી કરી છે. પૈસા નહિ મળે તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપવામાં આવી છે.
એક યુવકનો આબાદ બચાવ, બાકીના યુવાનોની સુરક્ષા પર પ્રશ્નાર્થ
આ આખી ઘટનામાં એક રાહતના સમાચાર એ આવ્યા છે કે, આ જ ગ્રૂપ સાથે ગયેલો એક અન્ય યુવક સદનસીબે અપહરણકારોની નજર ચૂકવીને અથવા તો કોઈ રીતે સુરક્ષિત રીતે ભારત પરત ફરવામાં સફળ રહ્યો છે. ભારત પરત આવ્યા બાદ આ યુવકે તમામ સત્ય ઘટના પરિવારો સમક્ષ જાહેર કરી હતી, જેનાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. હાલમાં બાકીના ત્રણ યુવાનો આફ્રિકાના એ અજાણ્યા કેમ્પમાં બંધક સ્થિતિમાં હોવાથી તેમના પરિવારજનો ગભરાટ અને ભારે માનસિક તણાવમાં જીવી રહ્યા છે.
પરિવારોની સરકાર પાસે મદદની વિનંતી અને પોલીસ તપાસ સક્રિય
આંતરરાષ્ટ્રીય સ્તરનું અપહરણ કૌભાંડ હોવાથી પીડિત પરિવારોએ હવે ભારત સરકાર, વિદેશ મંત્રાલય તેમજ સ્થાનિક પોલીસનો સંપર્ક સાધીને પોતાના સંતાનોને સહીસલામત સ્વદેશ પાછા લાવવા વિનંતી કરી છે. ગેરકાયદે માર્ગે અમેરિકા મોકલતા અનેક બોગસ એજન્ટો ઉત્તર ગુજરાતમાં સક્રિય છે, જેઓ લાખો-કરોડો રૂપિયા ઉઘરાવીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકે છે. પોલીસે આ મામલે એજન્ટો સામે કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.








