Gujarat weather update: ગુજરાતમાં હાલ હવામાન અનિશ્ચિત બન્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના ઘણા વિસ્તારોમાં મિશ્ર હવામાન જોવા મળ્યું છે. બીજી તરફ, કેટલાક વિસ્તારોમાં ઠંડીની લહેર જોવા મળી છે. હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે આગામી 12 કલાકમાં રાજ્યમાં હવામાન ડામાડોળ રહેશે અને શિયાળામાં કમોસમી વરસાદની સંભાવના વધી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આજે પણ માવઠા પડી શકે છે.
કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ?
હવામાન વિભાગે સૂચવ્યું છે કે, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ હવામાનમાં ફેરફારની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે.
શુક્રવારથી વાતાવરણમાં સુધારો
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી 2026 સુધી ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ, તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે. આ સમયગાળા દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના ખૂબ ઓછી છે.
સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં વરસાદના ઝાપટાં
ગત 31 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પોરબંદર અને દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં વહેલી સવારે હળવા વરસાદના ઝાપટાં પડી રહ્યા હતા. પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ હળવા વરસાદના છાંટા પડ્યા હતાં. જામનગરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં એક ઈંચ સુધી વરસાદ નોંધાયો, જ્યારે અમદાવાદમાં રાત્રે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો.
ખેતી પર અસર
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, જામખંભાળિયા અને આસપાસના ગામોમાં વરસાદથી રસ્તાઓ ભીના થયા. રાજકોટમાં ગત બપોરે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડતાં મોડી સાંજ સુધીમાં અડધા ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. ધોરાજી પંથકમાં સાંજે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો, જેનાથી મુખ્ય માર્ગો ભીના થયા. જૂનાગઢ જિલ્લામાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો.
ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ
ખરીફ પાકને કમોસમી વરસાદથી પહેલેથી જ નુકસાન થયું છે, અને હવે રવિ પાક પર પણ જોખમ જોવા મળતું હોવાથી ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે. જામનગર શહેરમાં હળવા છાંટા પડ્યા, પરંતુ સમાણા, નારણપુર, દડિયા, લાલપુર અને ખંભાળિયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો, જ્યાં લગભગ એકાદ ઈંચ વરસાદ નોંધાયો હોવાનું ખેડૂતોનું માનવું છે. આંકડાઓ અને પૂર્વાનુમાન દર્શાવે છે કે આવતા બે-ત્રણ દિવસમાં રાજ્યમાં હવામાન ડામાડોળ રહેશે, પરંતુ શુક્રવારથી વાતાવરણ ફરીથી સામાન્ય સ્થિતિમાં આવશે.








