Gujarat weather: ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાયના સંકેતો મળી રહ્યા છે, તો બીજી તરફ નવી હવામાન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વાતાવરણમાં ફરી મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બે હવામાન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ મજબૂત વેલ-માર્ક્ડ લો-પ્રેશર એરિયા સર્જાયું છે, જે આગામી સમયમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની આ બંને સિસ્ટમની અસરને કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી દિવસોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
દરિયાઈ વિસ્તારમાં પવનની ઝડપ વધવાની શક્યતા અને હવામાનમાં આવેલા ફેરફારને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને પણ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.
ચોમાસાની વિદાયમાં આ વર્ષે થઈ શકે છે મોડું
ગુજરાતમાં ચોમાસાના કુલ વરસાદમાં સામાન્ય સરેરાશની સરખામણીએ હજુ પણ આશરે 7 ટકાની ઘટ હોવાનું જણાવાયું છે. સામાન્ય રીતે કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જાય છે, પરંતુ આ વર્ષે વિદાયની પ્રક્રિયામાં થોડો વિલંબ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસું સત્તાવાર રીતે વિદાય લઈ શકે છે. જ્યારે અમદાવાદ શહેરમાંથી ચોમાસાની આખરી વિદાય 27 સપ્ટેમ્બર આસપાસ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ
આજે અમદાવાદ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે. કેટલાક સ્થળોએ વીજળીના કડાકા-ભડાકા સાથે હળવા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. એટલે કે ચોમાસાની વિદાય નજીક હોવા છતાં ગુજરાતના હવામાનમાં હજુ વરસાદી એપિસોડનો અંત આવ્યો નથી. આગામી દિવસોમાં સક્રિય થતી સિસ્ટમ અને તેના માર્ગ પર રાજ્યના વરસાદી માહોલનો આધાર રહેશે.








