Gujarat Weather Forecast: ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે. 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ જોવા મળ્યો હતો. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો અને કેટલાક વિસ્તારોમાં 2થી 6 ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો.
અમદાવાદ સહિત મધ્ય-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા
રાજ્યમાં હજુ પણ સરેરાશ વરસાદમાં 16 ટકાની ઘટ જોવા મળી રહી છે. 14 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહ્યા બાદ છેલ્લા એક દિવસથી ફરી વરસાદે વિરામ લીધો છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ 17 સપ્ટેમ્બરથી આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ખાસ કરીને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
રાજ્યમાં હજુ વરસાદની ઘટ યથાવત
છેલ્લા કેટલાક દિવસોમાં સારો વરસાદ નોંધાયા છતાં ગુજરાતમાં હજુ પણ વરસાદની 16 ટકાની ઘટ છે. કચ્છમાં વરસાદની ઘટ 40 ટકાથી વધુ છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 35 ટકાથી વધુ અને સૌરાષ્ટ્રમાં પણ આશરે 35 ટકા જેટલી ઘટ નોંધાઈ છે. આજે રાજ્યમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. સૌથી વધુ 13 મિમી વરસાદ છોટા ઉદેપુરના કડવલ તાલુકામાં નોંધાયો છે. હવે આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ આ ઘટને કેટલી હદ સુધી પૂરી કરે છે તેના પર સૌની નજર રહેશે.








