Gujarat Weather Forecast: સામાન્ય રીતે વાતાવરણમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ જેવી બે શક્તિશાળી હવામાન સિસ્ટમ એકસાથે સક્રિય હોય ત્યારે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેતી હોય છે. જો, કે ગુજરાતના હવામાનમાં હાલ અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગ અનુસાર, બંને સિસ્ટમ સક્રિય હોવા છતાં રાજ્યમાં વરસાદનું જોર વધવાને બદલે ઘટવાની સંભાવના છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. જો, કે આગામી 7 દિવસ માટે રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. બીજી તરફ, આગામી 3 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે થન્ડરસ્ટોર્મની સ્થિતિ સર્જાઈ શકે છે. આ દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
દિવસ 1 (16થી 17 સપ્ટેમ્બર)
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.
દિવસ 2 (17થી 18 સપ્ટેમ્બર)
ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં, જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
દિવસ 3 (18થી 19 સપ્ટેમ્બર)
અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, આણંદ સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
દિવસ 4 (19થી 20 સપ્ટેમ્બર)
ઉત્તર ગુજરાત, સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
દિવસ 5, 6 અને 7 (20થી 23 સપ્ટેમ્બર)
આ દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધુ ઘટવાની શક્યતા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માત્ર એકલ-દોકલ સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.
માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા તાકીદ
દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે ખાસ ચેતવણી આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની સરેરાશ ઝડપ 45થી 55 કિમી પ્રતિ કલાક રહી શકે છે, જ્યારે ઝાપટાં દરમિયાન પવનની મહત્તમ ઝડપ 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયામાં ન જવાની સખત સૂચના આપવામાં આવી છે.








