Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે ભાદરવા મહિનાની ગરમી અને ઉકળાટ વધ્યો છે. એક તરફ લોકો બફારાથી પરેશાન છે, તો બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 47 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. આગામી 24 કલાક દરમિયાન પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ફોરાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ભુજમાં 39.5 ડિગ્રી તાપમાન
બુધવારે 23 સપ્ટેમ્બરે ભુજમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 36.2, રાજકોટમાં 37.5, સુરતમાં 34.3, વડોદરામાં 36.4, ભાવનગરમાં 36.8, ગાંધીનગરમાં 36 અને કંડલામાં 36.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
ઉના અને રાજુલામાં ધોધમાર વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના ઉના તાલુકામાં સૌથી વધુ 2.72 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલીના રાજુલામાં 2.60 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં 2.36 ઈંચ, નવસારીમાં 2.24 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 1.18 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં અત્યાર સુધી 89 ટકા વરસાદ
ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 810 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે રાજ્યના વાર્ષિક સરેરાશ વરસાદના 89 ટકા જેટલો છે. પ્રદેશવાર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વાર્ષિક સરેરાશ કરતાં 114 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89 ટકા, સૌરાષ્ટ્રમાં 71.25 ટકા અને ઉત્તર ગુજરાતમાં 71 ટકા વરસાદ થયો છે. જ્યારે કચ્છમાં સૌથી ઓછો 57.60 ટકા વરસાદ નોંધાયો છે.








