Gujarat water crisis: ગુજરાતમાં પાણીના વપરાશ અંગે થયેલા તાજેતરના અભ્યાસોએ આવનારા વર્ષોમાં રાજ્ય માટે ચિંતાજનક સંકેતો આપી દીધા છે. નર્મદાનું પાણી આજે કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી પહોંચતું થયું છે, છતાં પણ પીવાના અને ઔદ્યોગિક તેમજ કૃષિ ક્ષેત્ર માટે પાણીની જરૂરિયાત સતત વધી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલની ગતિએ પાણી વપરાય તો ગુજરાત આગામી સમયમાં ગંભીર જળસંકટનો સામનો કરી શકે છે.
પાણીની કુલ માંગમાં વધારો થવાની શક્યતા
વિવિધ રિપોર્ટ અનુસાર આવતા પાંચ વર્ષમાં રાજ્યમાં પાણીની કુલ માંગમાં લગભગ 20થી 30 ટકાનો વધારો થવાની શક્યતા છે. વિશ્વના અનેક ભાગોમાં પાણીની કટોકટીના ઉદાહરણો જોવા મળી રહ્યા છે, જેમાં તાજેતરમાં ઇરાનના તેહરાન શહેરમાં પાણીની અછતને કારણે લોકોએ સ્થળાંતર કરવાની પરિસ્થિતિ સર્જાય આવી છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સમયસર પગલાં લેવાની જરૂર છે.
ભવિષ્ય માટે ચેતવણી
રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં ભૂગર્ભજળનો અતિશય વપરાશ થઈ રહ્યો છે. ઉપલબ્ધ આંકડા મુજબ ગુજરાતમાં દરવર્ષે આશરે 27.58 BCM જેટલું પાણી રિચાર્જ થાય છે, જ્યારે તેની સામે લગભગ 13.86 BCM પાણી ભૂગર્ભજળમાં ખેંચવામાં આવી રહ્યુ છે. આ પ્રમાણે રાજ્ય કુલ 54 ટકા જેટલું પાણી ભૂગર્ભજળમાં ખેંચાઇ રહ્યું છે, જે ભવિષ્ય માટે અત્યંત જોખમી ગણાય છે. ભૂગર્ભજળની આવક અને જાવક વચ્ચેનું આ અસંતુલન લાંબા ગાળે જળસ્તર નીચે ધકેલી શકે છે, જેનાથી ખેતી, પીવાના પાણીની વ્યવસ્થા અને ઉદ્યોગ, ત્રણે ક્ષેત્રો પર સીધી અસર પડશે.
રિપોર્ટમાં આંકડાઓ
વિધાનસભામાં રજૂ થયેલા એક અધિકૃત રિપોર્ટ મુજબ, વર્ષ 2019–20 દરમિયાન અમદાવાદની પાણીની માંગ 3706 MLDની આસપાસ હતી. વડોદરામાં આ આંકડા 12,388 MLD સુધી પહોંચ્યા હતા, જ્યારે રાજકોટ અને સુરતમાં વપરાશ ક્રમશ: 11,127 અને 27,321 MLD રહ્યો હતો. નિષ્ણાતોના અંદાજ પ્રમાણે 2030 સુધીમાં મુખ્ય શહેરોની પાણીની જરૂરિયાતમાં ઓછામાં ઓછો 20થી 30 ટકાનો વધારો થશે. વર્ષ 2050 સુધી પહોંચતાં પાણીની માંગ દોઢથી બે ગણાની થવાની શક્યતા છે. આ પરિસ્થિતિ રાજ્ય માટે ગંભીર પડકાર ઊભો કરી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે નર્મદા નદી પર રાજ્યની મુખ્ય નિર્ભરતા છે.
રાજ્ય સરકારની તૈયારી
આ વધતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પાણીના વૈકલ્પિક અને નવા સ્ત્રોતો શોધવાની દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે. નર્મદા જળ ફાળવણીની આગામી સમીક્ષા અત્યંત અગત્યની બનશે, કારણ કે ગુજરાતનો હિસ્સો યથાવત્ ન રાખવામાં આવે અથવા તેમાં વધારો ન થાય તો જળતંગી વધુ વિકરાળ બનવાની શક્યતા છે.








