Gujarat University scam: અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી કથિત ગેરરીતિઓ અને ભરતી કૌભાંડના આક્ષેપો મામલે યુનિવર્સિટી પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. સમગ્ર મામલાની તપાસ માટે એક સભ્યની તપાસ કમિટી બનાવવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ દીપક વ્યાસને તપાસ કમિટીના સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે. કમિટી દ્વારા કથિત અનિયમિત નિમણૂકો, યુનિવર્સિટીના ભંડોળનો ઉપયોગ, સત્તાના દુરુપયોગ અને PMJVK ગ્રાન્ટમાં થયેલી ગેરરીતિ સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. તપાસ કમિટીને ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
પૂર્વ VC નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન ગેરરીતિના આક્ષેપ
મળતી માહિતી અનુસાર, પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ કાર્યભાર સંભાળ્યા બાદ UGCના નિયમોની અવગણના કરીને પોતાના મળતિયા ગણાતા 10 લોકોને ડિરેક્ટર જેવા ઉચ્ચ હોદ્દા પર નિમણૂક આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઈન્દ્રવિજયસિંહ ગોહિલે દાવો કર્યો છે કે આ કર્મચારીઓને વિદ્યાર્થીઓની ફીમાંથી કુલપતિના પગાર કરતાં પણ વધુ મહેનતાણું ચૂકવવામાં આવતું હતું. આ ઉપરાંત, આ સમગ્ર મામલામાં પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVK હેઠળ મળેલી રૂ.40 કરોડની ગ્રાન્ટના કથિત દુરુપયોગના આક્ષેપો પણ સામે આવ્યા છે.
PMJVKની રૂ.40 કરોડની ગ્રાન્ટ મામલે પણ તપાસ
આક્ષેપ મુજબ, PMJVK પ્રોજેક્ટમાં નીરજા ગુપ્તાએ પોતાને જ પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિયુક્ત કરી હતી અને નિયમિત પગાર ઉપરાંત રૂ.4.20 લાખનું ભથ્થું મેળવ્યું હતું. આ ઉપરાંત, ગ્રાન્ટના ખાતામાંથી રૂ.9.84 લાખ તેમના જર્મની સ્થિત પુત્રના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સૌથી ગંભીર આક્ષેપ એ છે કે રૂ.40 કરોડની ગ્રાન્ટમાંથી 50 ટકાથી વધુ રકમનો હિસાબ યુનિવર્સિટી પ્રશાસન પાસે ઉપલબ્ધ નથી. જોકે, આ તમામ આક્ષેપોની હકીકત તપાસ કમિટીના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
ઇન્ચાર્જ કુલપતિએ શું કહ્યું?
ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ એક સભ્યની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. નિવૃત્ત જજ દીપક વ્યાસ દ્વારા સમગ્ર મામલાની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે કથિત અનિયમિત નિમણૂકો, યુનિવર્સિટીના ભંડોળનો ઉપયોગ, સત્તાના દુરુપયોગ અને PMJVK ગ્રાન્ટ સંબંધિત તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. કમિટી મુખ્યત્વે સંબંધિત દસ્તાવેજો અને નિમણૂકોની તપાસ કરશે અને ત્રણ મહિનામાં રિપોર્ટ રજૂ કરશે.
10 કર્મચારીઓ સસ્પેન્ડ
આ મામલે ભારે હોબાળો થયા બાદ યુનિવર્સિટી પ્રશાસને કથિત રીતે નિયમ વિરુદ્ધ નિમાયેલા 10 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. સમગ્ર મામલાની તપાસ પૂર્ણ થયા બાદ કમિટીના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો તપાસમાં ગેરરીતિ સાબિત થશે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને નાણાંની વસૂલાત કરવામાં આવે તેવી શક્યતા છે.








