Gujarat University Convention Center Scam: ગુજરાત યુનિવર્સિટીના વહીવટમાં લાપરવાહી અને ભ્રષ્ટાચારના આક્ષેપો અટકવાનું નામ નથી લઈ રહ્યા. યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરના સંચાલનને લઈને કુલસચિવ પિયુષ પટેલ વિવાદમાં સપડાયા છે. આરોપ છે કે, એસ્ટેટ વિભાગની સત્તાઓ છીનવીને કુલસચિવે તમામ વહીવટ પોતાની પાસે રાખી લીધો છે અને તેમાં મોટા પાયે આર્થિક ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. આ મામલે છેલ્લા એક વર્ષના બુકિંગ અને હિસાબોનું ઓડિટ કરવાની માંગ હવે પ્રબળ બની છે.
ભાડાના નાણાંમાં રોકડ વ્યવહારનો આક્ષેપ
NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે આ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, કન્વેન્શન સેન્ટર ભાડે આપવા માટે કોઈ ચોક્કસ ભાડું નક્કી કરવામાં આવ્યું નથી. તેઓએ દાવો કર્યો હતો કે, "ભાડાની અડધી રકમ RTGS મારફતે યુનિવર્સિટીના ખાતામાં જમા થાય છે, જ્યારે બાકીની રકમ કુલસચિવ પોતે રોકડમાં સ્વીકારે છે." આ પ્રકારના વહીવટથી યુનિવર્સિટીની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે.
સમારકામ અને ભથ્થામાં પણ ‘ખેલ’?
માત્ર સંચાલન જ નહીં, પણ સેન્ટરના રિનોવેશનના ખર્ચ સામે પણ સવાલો ઉઠ્યા છે. પૂર્વ પ્રોફેસરોએ આક્ષેપ કર્યો છે કે, તાજેતરમાં યુનિવર્સિટીએ 30 કરોડના તોતિંગ ખર્ચે સેન્ટરનું સમારકામ કરાવ્યું છે, જેમાં ભ્રષ્ટાચારની પૂરેપૂરી શક્યતા છે. વધુમાં, કુલસચિવ પિયુષ પટેલ મુખ્ય હોદ્દો ધરાવવા છતાં, કન્વેન્શન સેન્ટરના વધારાના હવાલા પેટે અલગથી મહેનતાણું અને ચાર્જ એલાઉન્સ મેળવી રહ્યા છે, જે નૈતિક અને વહીવટી દ્રષ્ટિએ ખોટું હોવાનું શિક્ષણવિદો માની રહ્યા છે.
એસ્ટેટ વિભાગ લાચાર, જવાબ આપવામાં આનાકાની
ચોંકાવનારી વાત એ છે કે, જે વિભાગ પાસે સંચાલન હોવું જોઈએ તે એસ્ટેટ વિભાગ આખા મામલાથી અજાણ છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓએ કબૂલાત કરી હતી કે, સેન્ટરનું ભાડું કેટલું છે તેની તેમને કોઈ જાણકારી નથી, કારણ કે બધું જ કુલસચિવ નક્કી કરે છે. જ્યારે આ બાબતે વિગતો માંગવામાં આવી ત્યારે એસ્ટેટ વિભાગના શૈલેષ ગોસ્વામીએ 'સ્ટાફ ઇલેક્શન ડ્યુટીમાં હોવાનું' બહાનું ધરીને વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
NSUI ની મુખ્ય માંગણીઓ:
વિવાદ વધતા NSUIએ સરકાર અને યુનિવર્સિટી સત્તાધીશો પાસે નીચે મુજબની તપાસની માંગ કરી છે:
- છેલ્લા એક વર્ષ દરમિયાન સેન્ટર કોને અને કેટલા ભાડે આપ્યું તેની યાદી જાહેર કરવામાં આવે.
- રૂ. 30 કરોડના સમારકામ ખર્ચનું સ્પેશિયલ ઓડિટ કરવામાં આવે.
- વહીવટી પારદર્શિતા માટે સંચાલન તાત્કાલિક અસરથી એસ્ટેટ વિભાગને સોંપવામાં આવે.
અગાઉ પણ આ સેન્ટર ખાનગી કંપની ગાંધી કોર્પોરેશન પાસે હોવાને કારણે યુનિવર્સિટીએ કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાના અહેવાલો હતા. હવે જ્યારે યુનિવર્સિટી હસ્તક વહીવટ છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ સામેના આક્ષેપોએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો છે.








