Gujarat Traffic Police: ગુજરાતમાં નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી અથવા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે પોલીસ દ્વારા રાજ્યવ્યાપી મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ વિશેષ ટ્રાફિક ઝુંબેશ દરમિયાન માત્ર 20 દિવસમાં જ 18,014 કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત નિયમવિરુદ્ધ નંબર પ્લેટ ધરાવતા 4,187 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ અત્યાર સુધીમાં રૂ. 58.56 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
14 ઓક્ટોબર સુધી ચાલશે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ
રાજ્યમાં માર્ગ સલામતી વધારવા અને વાહનચાલકો પાસે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 1 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2026 સુધી ચાલનારી આ ડ્રાઇવમાં નંબર પ્લેટ વગરના, નંબર પ્લેટમાં ચેડાં કરેલા અથવા નિયમ મુજબની ન હોય તેવી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 1થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કુલ 18,014 કેસ નોંધાયા છે. નંબર પ્લેટ સાથે ચેડાં કરવાના કિસ્સામાં 4,187 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે, જ્યારે નિયમભંગ બદલ રૂ. 58.56 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
સુરત, વડોદરા અને બનાસકાંઠામાં પણ મોટી કાર્યવાહી
આ વિશેષ ઝુંબેશ દરમિયાન રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં ટ્રાફિક પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આંકડા મુજબ સુરત શહેરમાં 1,786, વડોદરા શહેરમાં 1,959 અને બનાસકાંઠામાં 1,363 કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ નંબર પ્લેટની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અને વાહન પર સ્પષ્ટ રીતે દેખાય તેવી નિયમાનુસાર નંબર પ્લેટ લગાવવા સૂચના આપવામાં આવી છે.
ફેન્સી નંબર પ્લેટ લગાવશો તો કાર્યવાહી
સ્ટાઇલિશ ફોન્ટ, અસ્પષ્ટ અક્ષરો અથવા નંબરને ઢાંકી દેતી નંબર પ્લેટને લઈને પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. નંબર પ્લેટ એવી હોવી જરૂરી છે કે વાહનનો રજિસ્ટ્રેશન નંબર સરળતાથી વાંચી અને ઓળખી શકાય. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસ.પી. વી. સાહિત્યાએ વાહનચાલકોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનોમાં નિયમ મુજબની સ્પષ્ટ અને દેખાય તેવી નંબર પ્લેટ જ લગાવે. ફેન્સી ફોન્ટ અથવા નંબર છુપાવતી નંબર પ્લેટ કાયદાકીય કાર્યવાહી અને દંડને પાત્ર બની શકે છે.
20 દિવસના આંકડા બાદ હવે વધુ કડક ચેકિંગ
રાજ્યમાં અત્યાર સુધીની કાર્યવાહી દર્શાવે છે કે ટ્રાફિક પોલીસ દ્વારા નંબર પ્લેટના નિયમોના ભંગ સામે ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા તમામ જિલ્લાઓ અને શહેરોમાં સતત તપાસ ચાલુ રાખવામાં આવી છે. આ ઝુંબેશ 14 ઓક્ટોબર સુધી ચાલવાની હોવાથી આગામી દિવસોમાં પણ નંબર પ્લેટ વગરના અથવા નિયમવિરુદ્ધ નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે કાર્યવાહી ચાલુ રહેશે. વાહનચાલકો માટે હવે પોતાના વાહનની નંબર પ્લેટ નિયમસર છે કે નહીં તેની ચકાસણી કરી લેવી મહત્વપૂર્ણ બની છે.








