Gujarat Tourism Development: ગુજરાતને વૈશ્વિક કક્ષાનું ટુરિઝમ હબ બનાવવા અને રાજ્યના પૌરાણિક તથા ધાર્મિક સ્થળોનો કાયાકલ્પ કરવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા તેમજ શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવાના હેતુથી સરકારે ₹133 કરોડથી વધુના ખર્ચે 10 નવા પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ તમામ વિકાસ કાર્યોની યોજનાઓ ઘડી કાઢવામાં આવી છે, જેનાથી ભવિષ્યમાં રાજ્યમાં સૈર-સપાટો અને ધાર્મિક પ્રવાસન બંને વધુ સુગમ બનશે.
રૂપાલ વરદાયિની માતાજી ધામ અને ગિર વિસ્તારમાં ખાસ આયોજન
આ મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં સૌથી વધુ ભાર ગાંધીનગર નજીક આવેલા વિશ્વપ્રસિદ્ધ રૂપાલ સ્થિત શ્રી વરદાયિની માતાજીના મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસ પર મૂકવામાં આવ્યો છે. આ ધાર્મિક સ્થળના માળખાકીય સુધારા માટે મોટા પાયે બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત, કુદરતી સૌંદર્ય અને એશિયાટીક સિંહ માટે જાણીતા ગિર વિસ્તારને ‘આઈકોનિક ટુરિઝમ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવા માટે વિશેષ માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે, જેથી ત્યાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને વિશ્વસ્તરીય અનુભવ મળી રહે.
ઐતિહાસિક અનળગઢ કિલ્લો અને ઉનાઈ ધામનો થશે કાયાકલ્પ
પ્રવાસન ક્ષેત્રના આ નવા રોડમેપમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક અને પવિત્ર સ્થળોને પણ વરી લેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ગોંડલ ખાતે આવેલા ઐતિહાસિક અનળગઢ કિલ્લા અને ત્યાં સ્થિત મહાકાળી માતાજી મંદિર પરિસરના બ્યુટીફિકેશનના કામો હાથ ધરાશે. તેવી જ રીતે, દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિર સંકુલમાં દર્શનાર્થીઓની સુવિધા અર્થે નવનીકરણ અને આધુનિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે.
મહિસાગર નદી કિનારે ઘાટ નિર્માણ અને અન્ય સુવિધાઓ
રાજ્યના જળ-પ્રવાસન અને નદી કિનારે આવેલા ધાર્મિક મહત્વ ધરાવતા વિસ્તારોને પ્રોત્સાહન આપવા માટે પણ સરકારે પગલાં ભર્યા છે. જે અંતર્ગત ભાદરવા નજીક મહિસાગર નદીના પવિત્ર તટ પર ભવ્ય અને સુરક્ષિત ઘાટનું નિર્માણ કરવામાં આવશે. આ ઘાટ બનવાથી ધાર્મિક પ્રસંગો અને પૂજા-અર્ચના માટે આવતા શ્રદ્ધાળુઓને મોટી રાહત મળશે. આ તમામ 10 પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં જ ગુજરાતમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિવિધ ધાર્મિક અને પ્રવાસી સ્થળો માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટની વિગતો:
ગિર વિસ્તાર: પ્રવાસનને લગતા આઈકોનિક વિકાસ માટે રૂ. 43.91 કરોડ
રૂપાલ (ગાંધીનગર): વરદાયિની માતાજી મંદિરના સર્વગ્રાહી વિકાસ માટે રૂ. 35 કરોડ
કેસરડી (અમદાવાદ): જોધલપીર મંદિરના નવનિર્માણ માટે રૂ. 21.75 કરોડ
અંજાર: ગોવર્ધન પર્વતના ડેવલપમેન્ટ માટે રૂ. 12.98 કરોડ
ગોંડલ: અનળગઢ કિલ્લા અને મહાકાળી મંદિરના વિકાસ માટે રૂ. 5.06 કરોડ
વાંસદા (નવસારી): ઉનાઈ માતાજી મંદિર સંકુલના વિકાસ માટે રૂ. 5.03 કરોડ
ભાદરવા (સાવલી): મહિસાગર નદીના ઘાટ નિર્માણ માટે રૂ. 3.31 કરોડ
તરભ (મહેસાણા): વાળીનાથ મહાદેવ મંદિરમાં સોલાર પ્રોજેક્ટ માટે રૂ. 2.68 કરોડ
ઉમરેચા (મહેસાણા): મહાકાળી માતાજી મંદિરના કામ માટે રૂ. 50 લાખ
ધરમપુર (વલસાડ): ગોરા રામજી મંદિરના નવનિર્માણ માટે રૂ. 18.91 લાખ








