Gujarat RTO AI Driving Test: ગુજરાતની 39 આરટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટને વધુ પારદર્શક બનાવવા માટે શરૂ કરવામાં આવેલા AI આધારિત ડ્રાઇવિંગ ટ્રેક હવે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને ફોરવ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેઈલ થનારા ઉમેદવારોનું પ્રમાણ 80 ટકા સુધી પહોંચતાં અરજદારોમાં ભારે ઉહાપોહ જોવા મળી રહ્યો છે. વધતા ફેઈલ રેશિયોને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહાર વિભાગ દ્વારા AI ટ્રેકની પ્રક્રિયામાં જરૂરી સુધારા કરવા અંગે વિચારણા શરૂ કરવામાં આવી છે.
સુભાષ બ્રિજ RTOમાં 80% સુધી ઉમેદવારો ફેઈલ
અમદાવાદના સુભાષ બ્રિજ RTOમાં AI આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ ફોરવ્હીલર ટેસ્ટમાં ફેઈલ થનારા ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અહીં દરરોજ આશરે 120 ફોરવ્હીલર અને 160 ટુવ્હીલર ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપે છે. અગાઉ 120 ફોરવ્હીલર ઉમેદવારોમાંથી આશરે 55થી 60 ઉમેદવારો ફેઈલ થતા હતા. જોકે, છેલ્લા દોઢ મહિનાથી આ સંખ્યા વધીને લગભગ 96થી 100 સુધી પહોંચી છે. એટલે કે ફેઈલ થવાનો દર લગભગ 80 ટકા સુધી પહોંચ્યો છે. માત્ર અમદાવાદ જ નહીં, રાજ્યની અન્ય કેટલીક RTOમાં પણ AI ટ્રેકને લઈને આવી જ ફરિયાદો સામે આવી રહી છે.
વાહનવ્યવહાર મંત્રીએ RTOની મુલાકાત લીધી
ફેઈલ રેશિયો વધવા અને અરજદારોની ફરિયાદો વચ્ચે વાહનવ્યવહાર મંત્રી પ્રવિણ માળીએ અમદાવાદની સુભાષ બ્રિજ RTOની અચાનક મુલાકાત લીધી હતી. તેમણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાંથી મળી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને AI ટ્રેકની પ્રક્રિયામાં સુધારા-વધારા કરવા અંગે વિચારણા ચાલી રહી છે. જોકે, નિયમોમાં ફેરફાર અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
AI ટ્રેકમાં ઉમેદવારો ફેઈલ કેમ થાય છે?
AI આધારિત ટેસ્ટમાં કેમેરા દ્વારા વાહનની દરેક મૂવમેન્ટનું નિરીક્ષણ કરવામાં આવે છે. સુભાષ બ્રિજ RTOમાં ફોરવ્હીલર અને ટુવ્હીલર ટેસ્ટ માટે કુલ 16 કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. ટેસ્ટ પહેલાં ઉમેદવારોને સમગ્ર પ્રક્રિયા અને નિયમોની માહિતી આપતો વીડિયો બતાવવામાં આવે છે. કચેરીમાં પણ નિયમો અંગેના બોર્ડ અને ચાર્ટ લગાવવામાં આવ્યા છે. જોકે, ઘણા ઉમેદવારો વીડિયો ધ્યાનથી જોતા નથી અને ટેસ્ટ શરૂ થાય ત્યાં સુધી મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોવાની માહિતી છે. આ ઉપરાંત, ટ્રેક પર સિગ્નલના નિયમોનું પાલન ન કરવું, પેરેલલ પાર્કિંગ દરમિયાન ડિવાઇડર સાથે વાહન અથડાવવું અને ગ્રેડિયન્ટ એટલે કે ઢાળ પર યોગ્ય રીતે વાહન ન ચલાવવું જેવા કારણોસર ઉમેદવારો ફેઈલ થઈ રહ્યા છે.
તૈયારી સાથે ટેસ્ટ આપશો તો પાસ થવાની શક્યતા વધુ
RTO અધિકારીઓના જણાવ્યા અનુસાર AI ટ્રેકમાં માનવીય હસ્તક્ષેપ નથી અને સમગ્ર ટેસ્ટ કેમેરા તથા AI સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. ટેસ્ટ પહેલાં ઉમેદવારોને પ્રક્રિયા સમજાવતો વીડિયો પણ બતાવવામાં આવે છે. અધિકારીઓનું કહેવું છે, કે ઉમેદવાર જો ટેસ્ટ પહેલાં નિયમોનો વીડિયો ધ્યાનપૂર્વક જુએ અને ટ્રેક પર જરૂરી પ્રેક્ટિસ કરે તો ટેસ્ટ પાસ કરવામાં સરળતા રહે છે.
સુરત અને મોડાસામાં ફેઈલ રેશિયો ઘટ્યો
AI ટ્રેક શરૂ થયા બાદ શરૂઆતમાં ઘણા ઉમેદવારો પૂરતી જાણકારી અને પ્રેક્ટિસ વિના ટેસ્ટ આપવા પહોંચતા હોવાથી ફેઈલ થવાનો દર ઊંચો રહ્યો હતો. જોકે, હવે કેટલાક સ્થળોએ સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ફેઈલ થયેલા ઉમેદવારોમાંથી આશરે 30 ટકા ઉમેદવારો બીજી વખત ટેસ્ટ આપ્યા બાદ પાસ થઈ જાય છે. સુરત અને મોડાસા RTOમાં પણ સમય જતાં ઉમેદવારો AI ટ્રેકની પ્રક્રિયાથી પરિચિત થતાં ફેઈલ થનારા ઉમેદવારોની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે.








