Gujarat Road Accidents: ગુજરાતના નાના-મોટા શહેરો અને હાઇવે પર દિવસેને દિવસે ટ્રાફિકનું ભયાનક ચિત્ર સામે આવી રહ્યું છે. રસ્તા પર આડેધડ વાહનો ચલાવવાની ટેવ અને ઓવરટેક કરવાની આંધળી હોડને કારણે માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. વાહનચાલકોની ઘોર બેદરકારી અને ઓવરસ્પીડિંગના કારણે હવે નિર્દોષ રાહદારીઓ માટે રસ્તા પર સુરક્ષિત રીતે ચાલવું પણ અત્યંત મુશ્કેલ બની ગયું છે. તાજેતરમાં જાહેર થયેલા એક આંકડા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં 4,924થી વધુ રાહદારીઓએ માત્ર રસ્તો ઓળંગતી વખતે કે ચાલીને જતા સમયે માર્ગ અકસ્માતમાં પોતાના અમૂલ્ય જીવ ગુમાવ્યા છે.
અકસ્માતનો ભોગ બનતું દેશનું યુવાધન
આ આંકડાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો સૌથી વધુ ચિંતાજનક બાબત એ સામે આવી છે કે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં દેશનું યુવાધન સૌથી વધુ છે. માર્ગ દુર્ઘટનામાં ભોગ બનેલા રાહદારીઓમાં 25 થી 30 વર્ષની વયજૂથ ધરાવતા યુવાનોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. આ ઉપરાંત 35 થી 60 વર્ષની વયના પ્રૌઢ અને વડીલો પણ મોટી સંખ્યામાં આ અકસ્માતોનો ભોગ બન્યા છે. પરિવારના મુખ્ય કમાતા સભ્યોના અકાળે થયેલા મૃત્યુને કારણે અનેક પરિવારો આર્થિક અને માનસિક રીતે નિરાધાર બની ગયા છે.
દર વર્ષે 15,000થી વધુ અકસ્માતો અને ટ્રાફિક નિયમોનો અનાદર
ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 15,000થી વધુ નાના-મોટા માર્ગ અકસ્માતો નોંધાય છે, જેમાં સરેરાશ 1,500 જેટલા રાહદારીઓ કાળનો કોળિયો બની જાય છે. નિષ્ણાતોના મતે, માર્ગ અકસ્માતના વધતા કિસ્સાઓ પાછળનું મુખ્ય કારણ વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. હેલમેટ કે સીટબેલ્ટ ન પહેરવો, ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરવી, રોંગ સાઈડમાં વાહન ચલાવવું અને ઝેબ્રા ક્રોસિંગ કે પેડેસ્ટ્રિયન સિગ્નલનો અનાદર કરવો જેવી બાબતો નિર્દોષ રાહદારીઓ માટે કાળ સાબિત થઈ રહી છે.
હાઇવે પરના 'બ્લેક સ્પોટ' બન્યા મોતનો ઓથાર
રાજ્યમાં ખાસ કરીને નેશનલ અને સ્ટેટ હાઇવે પર અકસ્માતનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. સત્તાવાર વિગતો મુજબ, રાજ્યના વિવિધ નેશનલ હાઇવે પર આશરે 182 જેટલા 'બ્લેક સ્પોટ' (અતિ અકસ્માત સંભવિત વિસ્તારો) ઓળખવામાં આવ્યા છે, જે વાહનચાલકો અને રાહદારીઓ માટે મોતનો ઓથાર બની ગયા છે. આ વિસ્તારોમાં પુરતી લાઇટિંગ, યોગ્ય સાઇનબોર્ડ અને સ્પીડ બ્રેકર કે ફુટઓવર બ્રિજ જેવી સુવિધાઓનો અભાવ હોવાના કારણે પણ રાત્રિ દરમિયાન અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
કડક કાયદા અને ટ્રાફિક જાગરૂકતા જ એકમાત્ર ઉપાય
માર્ગ અકસ્માતની આ ગંભીર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે હવે તંત્ર અને નાગરિકો બંનેએ સાથે મળીને પગલાં ભરવા જરૂરી બન્યા છે. એક તરફ જ્યાં ટ્રાફિક પોલીસ અને તંત્રે ઓવરસ્પીડિંગ કરતા વાહનચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે, ત્યાં બીજી તરફ વાહનચાલકોએ પણ જવાબદાર નાગરિક બનીને ટ્રાફિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. રસ્તા પર ચાલતા રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફુટપાથ અને સબ-વે જેવી આંતરમાળખાકીય સુવિધાઓનો યોગ્ય વિકાસ કરવો પણ સમયની માંગ છે.








