Gujarat rain shortage: ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અપૂરતા વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હોવાના મુદ્દે વિધાનસભામાં ચર્ચા થઈ હતી. સરકારના જણાવ્યા મુજબ માત્ર વરસાદની ઘટ કે Rainfall Deviationના આધારે સીધો દુષ્કાળ જાહેર કરી શકાય નહીં. દુષ્કાળ જાહેર કરવા માટે કેન્દ્ર સરકારના Drought Management Manual-2016 (Updated 2020) મુજબના માપદંડોનું પાલન કરવું પડે છે. 31 ઓક્ટોબર સુધીમાં પાકની સ્થિતિનું મૂલ્યાંકન અને જરૂરી સર્વે બાદ નુકસાનીના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ નબળી
તા. 3 સપ્ટેમ્બર 2026 સુધીના SEOCના આંકડા પ્રમાણે રાજ્યમાં સિઝનનો સરેરાશ 75.43 ટકા એટલે કે 685.53 મીમી વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 103.91 ટકા વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ નબળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં માત્ર 6.41 ટકા, પોરબંદરમાં 18.12 ટકા, જામનગરમાં 28.88 ટકા અને કચ્છમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ, 31 ઓગસ્ટ સુધી રાજ્યના સામાન્ય 85.30 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર સામે 80.39 લાખ હેક્ટર એટલે કે 94.24 ટકા વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે.
206 જળાશયોમાં 66.07 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ
સરકારે જણાવ્યું છે કે પાણી, વીજળી અને ઘાસચારાની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે અગાઉથી વ્યવસ્થા કરવામાં આવી છે. સરદાર સરોવર ડેમમાં 88.90 ટકા અને અન્ય 206 જળાશયોમાં 66.07 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખરીફ સિંચાઈનું આયોજન કરાયું છે, જ્યારે સૌની અને સુજલામ સુફલામ યોજનાઓ મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ખેડૂતોના પાકને બચાવવા 21 જિલ્લાઓના 132 તાલુકા-જૂથોમાં કૃષિ વીજ પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જુલાઈથી જ ઘાસચારાનું રાહતદરે વિતરણ શરૂ કરાયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લાખો કિલો ઘાસ પહોંચાડવામાં આવ્યું છે.
વાસ્તવિક નુકસાનીના આધારે દુષ્કાળ અંગે નિર્ણય લેવાશે
દુષ્કાળ અંગે અંતિમ નિર્ણય માટે વરસાદ ઉપરાંત વાવેતર વિસ્તાર, NDVI, માટીની ભેજ અને ભૂગર્ભજળ સ્તર જેવા વિવિધ સૂચકાંકોનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવશે. Trigger-1 અને Trigger-2 હેઠળના માપદંડો પૂર્ણ થયા બાદ અસરગ્રસ્ત ગામોમાં 31 ઓક્ટોબર સુધીમાં GPS અને સ્માર્ટફોન એપ આધારિત 10 ટકા Ground Truthing કરવાની રહેશે. ત્યારબાદ પાકને થયેલી વાસ્તવિક નુકસાનીના આધારે દુષ્કાળ અંગે નિર્ણય લેવાશે. સરકારનું કહેવું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જનહિતમાં જરૂરિયાત મુજબ આગળના પગલાં લેવામાં આવશે.








