Gujarat rain in many talukas: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધી 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. શનિવારે 12 સપ્ટેમ્બરે સવારે 6થી સાંજે 6 વાગ્યા દરમિયાન રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેર, પંચમહાલ, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદા અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદના પાલડી, વિશાલા, વાસણા, બલોલનગર, રાણીપ, નવાવાડજ, અખબારનગર, મકરબા, સરખેજ અને એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.
વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં રાહત જોવા મળી
છોટા ઉદેપુર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં રાહત જોવા મળી છે. વહેલી સવારથી છોટા ઉદેપુર, પાનવડ અને બોડેલી પંથકમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. દોઢ મહિનાથી વરસાદ ખેંચાતા ચોમાસુ પાકને લઈને ખેડૂતો ચિંતિત હતા, ત્યારે હવે વરસાદ થતાં પાકને જીવનદાન મળવાની આશા બંધાઈ છે. મહીસાગરના લુણાવાડામાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. છેલ્લા એક મહિનાથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદ થતાં ખુશીની લાગણી જોવા મળી હતી. પંચમહાલના ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની રી-એન્ટ્રી થઈ છે.
વરસાદના કારણે વાતાવરણ ઠંડુ બન્યું
સૌરાષ્ટ્રમાં પણ ફરી વરસાદી ગતિવિધિ સક્રિય થઈ છે. અમરેલી જિલ્લામાં સતત વરસાદી ઝાપટાં પડતાં જાફરાબાદના ટીંબી, છેલાણા સહિતના ગામોમાં હળવો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે. બીજી તરફ, ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લો-પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર સહિત 20થી વધુ જિલ્લામાં વરસાદની અસર જોવા મળી શકે છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી જ્યાં ખેડૂતોને રાહત મળી છે, ત્યાં આગામી દિવસોમાં વધુ વરસાદથી ચોમાસુ પાકને પણ ફાયદો થવાની આશા છે. રાજ્યમાં અત્યાર સુધી પડેલા વરસાદ અને આગામી આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.








