Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની 12,993 જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત કર્યા બાદ હવે ઉમેદવારો માટે વિગતવાર સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં OBC પુરુષ કેટેગરી માટે 3,431 જગ્યાઓ હોવાનું જણાવાયું છે. અરજી પ્રક્રિયા 26 નવેમ્બરથી શરૂ થઈ છે અને 16 ડિસેમ્બર 2026 સુધી ચાલશે. ભરતીમાં શારીરિક કસોટી, લેખિત પરીક્ષા, નેગેટિવ માર્કિંગ, અનામતના પ્રમાણપત્રો, વધારાના ગુણ અને દસ્તાવેજ ચકાસણી સહિતના નિયમો જાહેર કરાયા છે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ ₹100 પરીક્ષા ફી ભરવાની રહેશે, જ્યારે અન્ય નિર્ધારિત કેટેગરીને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં ભરતીના તમામ નિયમો અને માપદંડ જાણી લેવા જરૂરી છે.
26 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી સૂચના પ્રમાણે ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે 21 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
અરજી શરૂ થવાની તારીખ: 26 નવેમ્બર, 2026
અરજી શરૂ થવાનો સમય: બપોરે 2:00 વાગ્યે
અરજી કરવાની છેલ્લી તારીખ: 16 ડિસેમ્બર, 2026
અરજીનું માધ્યમ: માત્ર ઓનલાઈન
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ: 19 ડિસેમ્બર, 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી
ઉમેદવારો OJASની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકશે. ભરતી અંગેની વિગતવાર સૂચનાઓ અને માહિતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.
જનરલ ઉમેદવારો માટે ₹100 પરીક્ષા ફી
ભરતી બોર્ડે પરીક્ષા ફી અંગે પણ સ્પષ્ટતા કરી છે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ ₹100 પરીક્ષા ફી ઉપરાંત લાગુ પડતો બેન્ક સર્વિસ ચાર્જ ચૂકવવાનો રહેશે. જ્યારે EWS, SC, ST, SEBC અને માજી સૈનિક કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. તમામ ઉમેદવારોએ ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે.
શારીરિક કસોટીમાં આટલી ઊંચાઈ અને છાતીનું માપ જરૂરી
શારીરિક કસોટીમાં દોડમાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારોની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે. ભરતી બોર્ડે ઉમેદવારો માટે નીચે મુજબના માપદંડ નક્કી કર્યા છે.
પુરુષ ઉમેદવારો માટે:
સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારોની ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેમી હોવી જોઈએ.
છાતીનું માપ 79થી 84 સેમી હોવું જરૂરી છે.
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેમી રાખવામાં આવી છે.
મહિલા ઉમેદવારો માટે:
સામાન્ય મહિલા ઉમેદવારોની ઊંચાઈ ઓછામાં ઓછી 155 સેમી હોવી જોઈએ.
મૂળ ગુજરાતની અનુસૂચિત જનજાતિની મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 150 સેમી રાખવામાં આવી છે.
લેખિત પરીક્ષામાં 200 પ્રશ્નો અને 3 કલાકનો સમય
શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારોને બીજા તબક્કામાં ઓબ્જેક્ટિવ MCQ આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. પરીક્ષા કુલ 200 ગુણની રહેશે. તેમાં 200 પ્રશ્નો પૂછવામાં આવશે અને ઉમેદવારોને જવાબ આપવા માટે 3 કલાકનો સમય મળશે.
લેખિત પરીક્ષાને બે વિભાગમાં વહેંચવામાં આવી છે.
પાર્ટ-A: 80 ગુણ
રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન – 30 ગુણ
ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ – 30 ગુણ
ગુજરાતી ભાષાનું કોમ્પ્રિહેન્શન – 20 ગુણ
આ વિભાગમાં ઉમેદવારોએ ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવવા ફરજિયાત રહેશે.
પાર્ટ-B: 120 ગુણ
ભારતનું બંધારણ – 30 ગુણ
વર્તમાન પ્રવાહો, વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા સામાન્ય જ્ઞાન – 40 ગુણ
ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ – 50 ગુણ
આ વિભાગમાં પણ ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવવા પડશે. એટલે કે ઉમેદવારોએ પાર્ટ-A અને પાર્ટ-B બંનેમાં અલગ-અલગ પાસ થવું જરૂરી છે. માત્ર બંને વિભાગના કુલ ગુણના આધારે ઉમેદવારને પાસ ગણવામાં આવશે નહીં.
ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે, E વિકલ્પમાં નેગેટિવ માર્કિંગ નહીં
લેખિત પરીક્ષામાં દરેક સાચા જવાબ માટે એક ગુણ મળશે, જ્યારે ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે. દરેક પ્રશ્નમાં 'E' એટલે કે 'Not Attempted'નો વિકલ્પ આપવામાં આવશે. જે પ્રશ્નનો જવાબ ઉમેદવારને ખબર ન હોય તેવા કિસ્સામાં E વિકલ્પ પસંદ કરી શકશે. આ વિકલ્પ પસંદ કરવા બદલ કોઈ નેગેટિવ માર્કિંગ થશે નહીં. જોકે, કોઈપણ વિકલ્પ પસંદ નહીં કરવામાં આવે અથવા એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરવામાં આવે તો 0.25 ગુણ કપાશે. OMR શીટમાં સફેદ શાહીનો ઉપયોગ કરવા પર પણ જવાબ ખોટો ગણાશે અને 0.25 ગુણ કાપવામાં આવશે.
NCC, RRU અને રમતવીરોને મળી શકે છે વધારાના ગુણ
ભરતી બોર્ડે કેટલાક ઉમેદવારોને વિશેષ લાયકાતના આધારે વધારાના ગુણ આપવાની જોગવાઈ પણ કરી છે. NCC 'C' સર્ટિફિકેટ: NCC 'C' સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને 2 વધારાના ગુણ મળશે. RRU અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી એક વર્ષ કે તેથી વધુ સમયનો માન્ય કોર્સ કરનારા ઉમેદવારોને કોર્સના સમયગાળા પ્રમાણે 3થી 10 વધારાના ગુણ મળશે.
એક વર્ષનો કોર્સ: 3 ગુણ
બે વર્ષનો કોર્સ: 5 ગુણ
ત્રણ વર્ષનો કોર્સ: 8 ગુણ
ચાર વર્ષ કે તેથી વધુનો કોર્સ: 10 ગુણ
રમતવીરો: નિર્ધારિત શરતો પૂર્ણ કરતા રમતવીરોને લેખિત પરીક્ષામાં મેળવેલા કુલ ગુણના 5 ટકા વધારાના ગુણ મળશે.
વિધવા મહિલા ઉમેદવારો: પુનઃલગ્ન ન કરનાર વિધવા મહિલા ઉમેદવારોને પણ લેખિત પરીક્ષાના કુલ ગુણના 5 ટકા વધારાના ગુણ મળશે.
આ વધારાના ગુણનો લાભ મેળવવા માટે નિમણૂક સમયે સંબંધિત જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે.
ખાલી જગ્યાના આશરે બમણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવાશે
લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણ અને નિયમ મુજબ મળવાપાત્ર વધારાના ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ખાલી જગ્યાની સંખ્યાના આશરે બમણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઉમેદવારોએ કેડરની પસંદગીનો ક્રમ આપવાનો રહેશે. એકવાર પસંદગીનો ક્રમ આપ્યા બાદ તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.
એકથી વધુ અરજી કરશો તો છેલ્લી કન્ફર્મ અરજી જ માન્ય રહેશે
ભરતી બોર્ડે ઉમેદવારોને એક જ અરજી કરવા સૂચના આપી છે. જો કોઈ ઉમેદવાર એકથી વધુ અરજી કરશે તો છેલ્લે કન્ફર્મ કરેલી અરજી જ માન્ય ગણાશે અને અગાઉની અરજીઓ રદ કરવામાં આવશે. ઉમેદવાર દ્વારા અગાઉની અરજી સાથે ભરવામાં આવેલી ફી છેલ્લી અરજી સામે ગણવામાં આવશે નહીં. એકથી વધુ અરજી સાથે ભરેલી ફી પણ પરત કરવામાં આવશે નહીં. તેથી ઉમેદવારોએ અરજી કરતી વખતે ખાસ કાળજી રાખવી જરૂરી છે.
અરજીમાં આપેલો મોબાઇલ નંબર અને ઈ-મેઇલ ચાલુ રાખવા સૂચના
ભરતી બોર્ડે ઉમેદવારોને અરજીમાં પોતાનો ચાલુ મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઈડી આપવા સલાહ આપી છે. ભરતી પ્રક્રિયા સંબંધિત સૂચનાઓ SMS મારફતે મોકલવામાં આવશે. તેથી અરજીમાં આપેલો મોબાઇલ નંબર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રાખવો જરૂરી છે. અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ કાઢીને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાચવી રાખવાની રહેશે.
પાંચ વર્ષનો કરાર અને દર મહિને ₹26 હજાર ફિક્સ પગાર
બિનહથિયારી કોન્સ્ટેબલ, હથિયારી કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ તરીકે પસંદ થનારા ઉમેદવારો માટે પાંચ વર્ષનો કરાર આધારિત સમયગાળો રહેશે. આ સમયગાળા દરમિયાન હથિયારી કોન્સ્ટેબલ (SRPF) સહિતના પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને ₹26,000 ફિક્સ વેતન આપવામાં આવશે. પાંચ વર્ષનો કરાર સંતોષકારક રીતે પૂર્ણ કર્યા બાદ નિયમો મુજબ નિયમિત પગારધોરણમાં નિમણૂક આપવામાં આવશે. આ ઉપરાંત, પસંદ થયેલા ઉમેદવારોએ નિમણૂક બાદ બે વર્ષની અંદર લાઇટ મોટર વ્હીકલ (LMV) અથવા હેવી મોટર વ્હીકલ (HMV)નું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી લેવાનું રહેશે. અન્ય લોકરક્ષક કેડરના ઉમેદવારોએ પણ કરારના સમયગાળા દરમિયાન આ લાઇસન્સ મેળવવાનું રહેશે.
ભરતી અંગેની પૂછપરછ માટે ટોલ ફ્રી નંબર જાહેર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોની મૂંઝવણ દૂર કરવા માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 જાહેર કર્યો છે. ઉમેદવારો આ નંબર પર 26 નવેમ્બરથી 16 ડિસેમ્બર, 2026 દરમિયાન ભરતી સંબંધિત માહિતી મેળવી શકશે. પૂછપરછનો સમય સવારે 10:30થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. જોકે, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં આ સેવા ઉપલબ્ધ રહેશે નહીં.








