Gujarat Police: ‘ગુજરાત પોલીસ સેવા, સુરક્ષા અને શાંતિ’નું સૂત્ર રાજ્યના નાગરિકો રોજ વાંચે છે, પરંતુ હવે પોલીસના ખાનગી બંદોબસ્તને લઈને સવાલો ઊભા થયા છે. વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલા લેખિત જવાબમાં સામે આવેલા આંકડા મુજબ, ‘ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત નીતિ’ હેઠળ ખાનગી પક્ષકારો માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. બીજી તરફ, સામાન્ય નાગરિકો સુરક્ષા માટે પોલીસની મદદ માગે ત્યારે સ્ટાફની અછત સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે પોલીસની પ્રાથમિકતા અંગે ચર્ચા શરૂ થઈ છે.
ખાનગી કંપનીઓ માટે પોલીસ બંદોબસ્ત, પરંતુ કરોડોની વસૂલાત બાકી
સરકારના જ આંકડા મુજબ કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી પક્ષકારો પાસેથી પોલીસ બંદોબસ્તના કુલ ₹2.59 કરોડથી વધુની રકમ હજુ વસૂલવાની બાકી છે. એટલે કે ખાનગી બાબતો માટે પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હોવા છતાં તેની સામેની રકમની વસૂલાતમાં તંત્રની કામગીરી પર સવાલ ઊભા થયા છે.
1999ના ઠરાવ હેઠળ હજુ પણ ચાલી રહી છે નીતિ
પોલીસને ઓન પેમેન્ટ બંદોબસ્ત માટે 1 ઓક્ટોબર 1999ના ઠરાવનો આધાર લેવામાં આવે છે. આ વ્યવસ્થાને લઈને સવાલ એ છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતી પોલીસની તૈનાતી ખાનગી પ્રોજેક્ટ્સ માટે કેટલી હદ સુધી યોગ્ય છે. એક તરફ સામાન્ય નાગરિકો પોતાના વિસ્તારમાં ચોરી, લુખ્ખાતત્વો કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસ સુરક્ષાની માગ કરે છે, ત્યારે બીજી તરફ ખાનગી પક્ષકારોને ચૂકવણીના આધારે પોલીસ બંદોબસ્ત મળતો હોવાની વ્યવસ્થાએ ચર્ચા જગાવી છે.
સુરેન્દ્રનગરમાં ₹2.02 કરોડથી વધુ બાકી
સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત પેટે ₹2.02 કરોડથી વધુની રકમ હજુ બાકી છે. બીજી તરફ કચ્છ જિલ્લામાં પણ ₹57,50,596ની વસૂલાત બાકી હોવાનું સામે આવ્યું છે. આ રકમની સમયસર વસૂલાત કેમ થઈ નથી અને જવાબદાર તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે, તે અંગે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને કચ્છ જેવા સરહદી અને સંવેદનશીલ જિલ્લામાં પોલીસ બંદોબસ્તની રકમ બાકી હોવાનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે ખાનગી પક્ષકારો પાસેથી બાકી રકમની વસૂલાત માટે તંત્ર શું પગલાં લેશે અને ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની નીતિમાં સામાન્ય નાગરિકોની સુરક્ષાને કેવી રીતે પ્રાથમિકતા આપવામાં આવશે.








