Gujarat Police Recruitment: ગુજરાત પોલીસ દળમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-3 લોકરક્ષક કેડર તથા ટેક્નિકલ કેડરની વિવધવિભાગની કૂલ 3,000 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે.
ક્યાં-કેટલી જગ્યાઓ?
ગુજરાત પોલીસ દળમાં 2,900થી વધુ જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવશે, જેમાં કોન્સ્ટેબલથી લઈને ટેકનિકલ અને ટ્રાન્સપોર્ટ વિભાગની જગ્યાઓનો સમાવેશ થાય છે.
શૈક્ષણિક લાયકાત શું રહેશે?
લોકરક્ષક કેડર માટે: ઉમેદવારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-12 (H.S.C.)ની પરીક્ષા અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત પાસ કરેલી હોવી જોઈએ.
હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-2) અને મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર (ગ્રેડ-2) માટે: ધોરણ-12 (H.S.C.) અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત પાસ હોવી જરૂરી છે.
આ ઉપરાંત, સરકાર માન્ય ITIમાંથી મોટર મિકેનિક વ્હીકલ ટ્રેડ (MMV)ના સર્ટિફિકેટ સાથે 1 વર્ષન એપ્રેન્ટિસશીપ અથવા નેશનલ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ સ્કીમ હેઠળ મોટર મિકેનિક વ્હીકલ ટ્રેડમાં 3 વર્ષનું એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ.
ઓનલાઇન અરજી કરવાની મહત્વની તારીખો
વિગતવાર જાહેરાત અપલોડ તારીખ: 20 નવેમ્બર, 2025
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 26 નવેમ્બર, 2025 (બપોરે 2:00 કલાકથી)
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 16 ડિસેમ્બર, 2025 (રાત્રે 11:59 કલાક સુધી)
ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ
ઈચ્છુક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈને અરજી કરવાની રહેશે. ત્રણેય કેડર માટે અલગ-અલગ ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે સાચવીને રાખવી. નોંધનીય છે કે, ટપાલ, ઇ-મેઇલ કે પછી રૂબરૂમાં મોકલવામાં આવેલી અરજીઓનો સ્વીકાર કરવામાં આવશે નહીં. ભરતી સંબંધિત વધુ વિગતો અને અપડેટ માટે ઉમેદવારોએ https://gprb.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર નજર રાખવાની રહેશે.








