મારું ગુજરાત

વિકાસના નામે ગુજરાતની નદીઓમાં ઝેર? ફોરેવર કેમિકલથી કેન્સરનું જોખમ વધવાની ચિંતા, પર્યાવરણ સામે મોટો ખતરો

23 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
વિકાસના નામે ગુજરાતની નદીઓમાં ઝેર? ફોરેવર કેમિકલથી કેન્સરનું જોખમ વધવાની ચિંતા, પર્યાવરણ સામે મોટો ખતરો

Gujarat PFAS Forever Chemicals Pollution: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે. રાજ્યની નદીઓ અને ભૂગર્ભજળમાં ‘PFAS’ એટલે કે ‘ફોરેવર કેમિકલ્સ’ નામના જોખમી રસાયણો ભળવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ રસાયણો લાંબા સમય સુધી નાશ પામ્યા વિના પર્યાવરણમાં ટકી રહે છે અને માનવ શરીર પર પણ ગંભીર અસરો પેદા કરી શકે છે. Hazardous Materials Advances જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ આ મુદ્દે ગંભીર નોંધ લઈને સંબંધિત તંત્રો પાસેથી ખુલાસો માંગ્યો છે.

NGTની ચિંતા બાદ સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્ર સામે સવાલ
ગુજરાતમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, પેઇન્ટ્સ અને સેમિકન્ડક્ટર સહિતના અનેક ઉદ્યોગો કાર્યરત છે. આ ઉદ્યોગોમાંથી નીકળતો પ્રવાહી કચરો જળસ્ત્રોતોમાં ફોરેવર કેમિકલ્સ ભળવાનું એક મહત્ત્વનું કારણ બની શકે છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા ટેક્સટાઇલ હબમાં કાપડને વોટરપ્રૂફ અને ડાઘ-પ્રતિરોધક બનાવવા માટે ફ્લોરિનેટેડ કોટિંગ્સનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કેમિકલ ઝોનમાં વપરાતા ઇન્ડસ્ટ્રિયલ ક્લીનર્સ અને મેટલ પ્લેટિંગની પ્રક્રિયામાંથી પણ આ રસાયણો પાણીમાં ભળી શકે છે. માત્ર ઔદ્યોગિક કચરો જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં વપરાતી કેટલીક વસ્તુઓમાં પણ આ રસાયણોનો ઉપયોગ થાય છે. ફાસ્ટ ફૂડના રેપર્સ અને ફૂડ પેકેજિંગ, નોન-સ્ટીક વાસણોના ટેફલોન કોટિંગ, કોસ્મેટિક ઉત્પાદનો તેમજ રિફાઇનરીઓમાં આગ બુઝાવવા માટે વપરાતા ખાસ ફીણમાં પણ PFAS જેવા સંયોજનો હોઈ શકે છે.

GPCB પાસે નદીઓમાં PFASના પ્રમાણનો સત્તાવાર ડેટા નથી
આ સમગ્ર મામલે સૌથી ચિંતાજનક બાબત એ છે કે ગુજરાતની સાબરમતી, મહી, નર્મદા અને તાપી જેવી મુખ્ય નદીઓ તેમજ શહેરોના ભૂગર્ભજળમાં ફોરેવર કેમિકલ્સનું પ્રમાણ કેટલું છે, તેનો સત્તાવાર ડેટાબેઝ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પાસે ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ઔદ્યોગિક કચરામાં આ રસાયણોની મહત્તમ સ્વીકાર્ય મર્યાદા નક્કી કરતા કાયદેસરના ધોરણો પણ ઉપલબ્ધ નથી. પરિણામે જળપ્રદૂષણની સમસ્યાને ઓળખવા અને તેના પર નિયંત્રણ લાવવા સામે મોટો પડકાર ઊભો થઈ શકે છે.

માનવ શરીર પર ફોરેવર કેમિકલ્સની શું અસર થઈ શકે?
નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી PFAS જેવા રસાયણોના સંપર્કમાં રહેવાથી માનવ શરીર પર અનેક પ્રકારની નકારાત્મક અસરો થઈ શકે છે. તેના કારણે હોર્મોનલ અસંતુલન, થાઇરોઇડ સંબંધિત સમસ્યાઓ, લીવરને નુકસાન અને પ્રજનન ક્ષમતામાં ઘટાડાનું જોખમ વધી શકે છે. આ ઉપરાંત કેટલાક PFAS રસાયણોના લાંબા ગાળાના સંપર્કને ચોક્કસ પ્રકારના કેન્સર સાથે પણ જોડવામાં આવ્યો છે. જો પાણીના સ્ત્રોતોમાં આ રસાયણોનું પ્રમાણ વધતું રહે અને તેના પર નિયંત્રણ ન આવે, તો ભવિષ્યમાં પીવાના પાણીની ગુણવત્તા સામે ગંભીર પડકાર ઊભો થઈ શકે છે.

‘ફોરેવર કેમિકલ્સ’ને આ નામ કેમ આપવામાં આવ્યું છે?
PFAS એટલે પર્ફ્લુઓરોઆલ્કિલ અને પોલીફ્લુઓરોઆલ્કિલ સબસ્ટન્સિસ. આ માનવસર્જિત રસાયણોનો મોટો સમૂહ છે. તેમાં રહેલા કાર્બન-ફ્લોરિન બોન્ડ અત્યંત મજબૂત હોવાથી આ રસાયણો કુદરતી રીતે સરળતાથી વિઘટિત થતા નથી. આ જ કારણસર તેમને ‘ફોરેવર કેમિકલ્સ’ કહેવામાં આવે છે. તે પર્યાવરણમાં લાંબા સમય સુધી ટકી રહી શકે છે અને માટી, હવા, નદી, અન્ય જળસ્ત્રોતો તથા ભૂગર્ભજળમાં ફેલાઈ શકે છે. ચિંતા એ પણ છે કે સામાન્ય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીની પ્રક્રિયા દરમિયાન આ રસાયણો સંપૂર્ણપણે દૂર થતા નથી. તેથી પીવાના પાણીમાંથી PFAS દૂર કરવા માટે વિશેષ અને અસરકારક ટ્રીટમેન્ટ પદ્ધતિઓની જરૂર પડી શકે છે.

ગુજરાત સહિત ચાર રાજ્યોમાં NGTએ ગંભીર નોંધ લીધી
ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના જળસ્ત્રોતોમાં પણ ફોરેવર કેમિકલ્સની હાજરી અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે NGTએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) પાસે ખુલાસો માંગ્યો છે. આ કાર્યવાહી બાદ હવે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પીવાના પાણી અને ઔદ્યોગિક કચરામાં PFAS રસાયણોની મહત્તમ મર્યાદા નક્કી કરવા માટે નવા નિયમો લાગુ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્ર આ મુદ્દે કયા પગલાં ભરે છે અને ઉદ્યોગોમાંથી નીકળતા કચરા પર કેવી રીતે નિયંત્રણ લાવે છે. કારણ કે ઔદ્યોગિક વિકાસની સાથે નદીઓ, ભૂગર્ભજળ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે.

Tags:
GujaratVandanCPCBNGT GujaratGujarat River PollutionPFAS Cancer Risk
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026