Gujarat Jail Bomb Threat: અમદાવાદ સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અજાણ્યા શખસે DGP ઓફિસને ઈમેઈલ મોકલીને રાજ્યની જેલોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી છે. ઈમેઈલમાં ‘2008ને ન ભૂલતા’ એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ધમકીભર્યો ઈમેઈલ મળ્યા બાદ રાજ્યની તમામ જેલોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસની ટીમો જેલ પરિસરે પહોંચી છે અને બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરની DGP ઓફિસ, કલેક્ટર કચેરી અને એક મંદિરને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હોવાની માહિતી સામે આવી છે.
DGP ઓફિસને મળ્યો ધમકીભર્યો ઈમેઈલ
મળતી માહિતી મુજબ, અજાણ્યા શખસે રાજ્યના પોલીસ વડા (DGP)ની ઓફિસને ઈમેઈલ મોકલીને ગુજરાતની જેલોને નિશાન બનાવવાની ધમકી આપી છે. ઈમેઈલમાં જેલોને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી છે. ધમકીભર્યા ઈમેઈલમાં ‘2008ને ન ભૂલતા’ એવો સંદેશ લખવામાં આવ્યો છે. આ ઈમેઈલ ખાલિસ્તાનના નામે મોકલવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. જોકે, ઈમેઈલ મોકલનાર વ્યક્તિની ઓળખ અને ધમકીની વિશ્વસનીયતા અંગે તપાસ ચાલી રહી છે.
રાજ્યની તમામ જેલોમાં તપાસ શરૂ
ધમકી મળ્યા બાદ પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. રાજ્યની તમામ જેલોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. સ્થાનિક પોલીસની ટીમો જેલ પરિસરમાં પહોંચી છે અને બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં આવેલી DGP ઓફિસ, કલેક્ટર કચેરી અને એક મંદિરને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હોવાની માહિતી છે. સુરક્ષા એજન્સીઓ તમામ સ્થળોએ ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
સાત દિવસ પહેલાં અમદાવાદની 8 સ્કૂલોને પણ મળી હતી ધમકી
ઉલ્લેખનીય છે કે, આશરે સાત દિવસ પહેલાં અમદાવાદની આઠ સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. તેમાં સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઇટની વિદ્યા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન. વિદ્યાલય સહિતની શાળાઓનો સમાવેશ થતો હતો. તે સમયે પણ ધમકીભર્યા ઈમેઈલ મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી.
દિલજીતના અમદાવાદ કોન્સર્ટને લઈને પણ મળી હતી ધમકી
21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા પંજાબી ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને પણ ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેઈલમાં ‘બચ્ચન બોમ્બેમાં-દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યા જશે’ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ધમકીને પગલે પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા ઊભી થઈ હતી.
ઈમેઈલ મોકલનારની ઓળખ મેળવવા તપાસ
જેલ, સરકારી કચેરીઓ અને અન્ય સ્થળોને મળેલી ધમકીઓને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી છે. ઈમેઈલ ક્યાંથી અને કોણે મોકલ્યો તેની વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તપાસમાં ધમકી પાછળનો હેતુ અને તેની વાસ્તવિકતા સ્પષ્ટ થશે.








