Gujarat High Court PIL by British Citizen: મૂળ ભારતીય અને હાલ બ્રિટિશ નાગરિક પંકજ પટેલે ભારતની વ્યવસ્થામાં ફેરફાર કરવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી (PIL) કરી છે. આ અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજદારના અધિકારો અંગે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે ખાસ કરીને પૂછ્યું હતું કે જો અરજદાર ભારતના નાગરિક નથી અને તેમને મતદાનનો અધિકાર નથી, તો તેઓ જાહેરહિતની અરજી કયા કાયદાકીય આધાર પર કરી શકે છે? હવે OCI કાર્ડધારકોને ભારતમાં PIL કરવાનો અધિકાર છે કે નહીં, તે અંગે રાજ્ય સરકાર પાસેથી સ્પષ્ટતા અને કાયદાકીય આધાર માગવામાં આવ્યા છે.
‘40 વર્ષ પહેલાં ભારત સુંદર હતું’: અરજદારે કોર્ટમાં શું કહ્યું?
પંકજ પટેલ ગુજરાત હાઇકોર્ટમાં પાર્ટી ઇન પર્સન તરીકે એટલે કે પોતાના કેસમાં જાતે જ રજૂ થયા હતા. તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરતાં કહ્યું હતું કે લગભગ ચાર દાયકા પહેલાં જ્યારે તેઓ ભારત છોડીને ગયા હતા, ત્યારે દેશ સુંદર હતો અને કાયદા પ્રમાણે ચાલતો હતો. જોકે, હાલની સ્થિતિ જોઈને તેમને દુઃખ થતું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના મતે, દેશમાં વ્યવસ્થામાં સુધારાની જરૂર છે અને તેઓ દેશની સ્થિતિ સારી બને તે ઇચ્છે છે. આ જ હેતુથી તેમણે જાહેરહિતની અરજી કરી હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું.
‘તમને મતનો અધિકાર છે?’ હાઇકોર્ટે કર્યા સવાલો
અરજદારની રજૂઆત બાદ ગુજરાત હાઇકોર્ટે તેમના કાયદાકીય અધિકારો અંગે સવાલો કર્યા હતા. કોર્ટનું ધ્યાન ખાસ કરીને એ મુદ્દા પર હતું કે અરજદાર બ્રિટિશ નાગરિક છે, તો ભારતમાં જાહેરહિતની અરજી દાખલ કરવાની તેમની કાયદાકીય પાત્રતા શું છે? કોર્ટે અરજદારને પહેલાં એ સ્પષ્ટ કરવા કહ્યું હતું કે ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડધારકને કયા કયા અધિકારો મળે છે. દેશની કોઈ વ્યવસ્થા પસંદ ન હોય એટલે સમગ્ર સિસ્ટમમાં ફેરફારની માંગ કરી શકાય કે નહીં, તે મુદ્દે પણ કોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
‘મારે બ્રિટન પાછા નથી જવું’: અરજદારનો જવાબ
કોર્ટના સવાલોના જવાબમાં પંકજ પટેલે જણાવ્યું હતું કે તેમને બ્રિટન પાછા જવું નથી, પરંતુ ભારતની સ્થિતિ સુધરે તેવું તેઓ ઇચ્છે છે. તેમણે કહ્યું હતું કે તેમનો હેતુ માત્ર લોકોને મદદ કરવાનો છે અને આ પાછળ તેમની કોઈ અંગત ઇચ્છા નથી. અરજદારે પોતાની રજૂઆતમાં દેશની વ્યવસ્થામાં સુધારાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
OCI કાર્ડધારક PIL કરી શકે કે નહીં? કોર્ટનો મુખ્ય સવાલ
આ કેસમાં મુખ્ય કાયદાકીય મુદ્દો એ છે કે વિદેશી નાગરિક અથવા OCI કાર્ડધારકને ભારતમાં જાહેરહિતની અરજી દાખલ કરવાનો અધિકાર છે કે નહીં. OCI કાર્ડધારકને ભારતીય નાગરિકતા પ્રાપ્ત હોતી નથી અને તેમના અધિકારો ભારતીય નાગરિકોથી અલગ હોય છે. જોકે, PIL દાખલ કરવાની પાત્રતા અંગેનો નિર્ણય કેસની વિગતો અને લાગુ પડતા કાયદા પર આધારિત રહેશે. સુનાવણી દરમિયાન સરકારી વકીલે પણ અરજદાર કયા પ્રકારના ફેરફારો ઇચ્છે છે તે સમજવા માટે અરજીની નકલ સરકારને આપવાની જરૂરિયાત દર્શાવી હતી, જેથી સરકાર તેની તપાસ કરીને યોગ્ય રજૂઆત કરી શકે.
8 ડિસેમ્બરે ફરી સુનાવણી
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે OCI કાર્ડધારક અથવા વિદેશી નાગરિક જાહેરહિતની અરજી કરી શકે છે કે નહીં, તે અંગે કાયદાકીય પુરાવા અને સ્પષ્ટતા માગી છે. આ મામલે આગામી સુનાવણી 8 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. અરજદારને તે દિવસે રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા પણ આદેશ આપવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હવે આગામી સુનાવણીમાં OCI કાર્ડધારકના કાયદાકીય અધિકારો અને જાહેરહિતની અરજી દાખલ કરવાની પાત્રતા અંગે શું રજૂઆત થાય છે તેના પર નજર રહેશે.








