Chaitar Vasava parole: નર્મદા કેસમાં સાત વર્ષની સખત કેદની સજા ભોગવી રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી વધુ એક ઝટકો લાગ્યો છે. વસાવાએ પેરોલ માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને આ અરજીને જામીન અરજીમાં તબદીલ કરવાની રજૂઆત કરી હતી. જોકે, હાઈકોર્ટે તેમની આ રજૂઆત સ્વીકારવાનો ઇનકાર કરતાં વસાવાને પેરોલ અરજી પરત ખેંચવાની ફરજ પડી હતી.
9 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી
નર્મદા સેશન્સ કોર્ટ, રાજપીપળાએ 23 જૂન 2026ના રોજ ઓક્ટોબર-નવેમ્બર 2023માં બનેલા વનકર્મી પર હુમલો, સરકારી ફરજમાં અડચણ, હવામાં ફાયરિંગ અને ખંડણીના કેસમાં ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ ચુકાદા સામે વસાવાએ 3 ઓગસ્ટે હાઈકોર્ટમાં સજા પર સ્ટે અને જામીન માટે અરજી કરી હતી.
હાઈકોર્ટે કાયદાની સર્વોચ્ચતા અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી
સજા પર સ્ટે અને જામીનની અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કાયદાની સર્વોચ્ચતા અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે કાયદો સર્વોપરી છે અને કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. લોકપ્રતિનિધિને રાહત આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જઈ શકે તેવી ટકોર સાથે હાઈકોર્ટે ચૈતર વસાવા અને તેમના PAની જામીન અરજી ફગાવી દીધી હતી.
પેરોલ મેળવવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો
હાલ ચૈતર વસાવા વડોદરા જેલમાં છે અને સજા પર સ્ટે ન મળતાં તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જામીન અરજી ફગાવાયા બાદ તેમણે પેરોલ મેળવવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ પેરોલ અરજીને જામીન અરજીમાં ફેરવવાની રજૂઆત પણ સ્વીકારાઈ નહોતી. હવે હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં વસાવા પાસે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ બચ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.








