Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા અમદાવાદના મોટેરા સ્થિત આસારામ આશ્રમ દ્વારા દબાવવામાં આવેલી 45,000 ચોરસ મીટરથી વધુની જાહેર જમીન પાછી લેવાના રાજ્ય સરકારના નિર્ણય પર મહોર મારી દીધી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા હાઈ-પ્રોફાઈલ વિસ્તારમાં આવેલી આ જમીન આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ ધરાવે છે. અમદાવાદ જ્યારે કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ભવિષ્યના ઓલિમ્પિક્સ માટે યજમાનીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે આ વિશાળ જમીન પાછી મળવી એ રમતગમત અને શહેરી વિકાસ માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થશે.
મર્યાદિત ઉપયોગની શરતે મળેલી જમીન પર આશ્રમે સીમાઓ ઓળંગી
કોર્ટમાં રાજ્ય સરકાર વતી રજૂ કરાયેલી વિગતો મુજબ, દાયકાઓ પહેલા આ જમીન માત્ર મર્યાદિત ધાર્મિક હેતુઓ માટે ફાળવવામાં આવી હતી. જમીન ફાળવણીની શરતોમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે અહીં કોઈ પણ પ્રકારની વ્યાવસાયિક પ્રવૃત્તિ કે અનધિકૃત બાંધકામ કરી શકાશે નહીં. તેમ છતાં, સમય જતાં આશ્રમ સત્તાવાળાઓએ કાયદેસરની સીમાઓ ઓળંગીને ફાળવેલી જમીન કરતાં અનેકગણી વધુ જમીન પર કબ્જો જમાવી દીધો હતો. આશ્રમે પોતે જ કરેલી ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવાની વારંવારની અરજીઓએ સરકારના કેસને વધુ મજબૂત બનાવ્યો હતો.
‘અચાનક નહીં, પૂરતી તક આપીને લીધેલો નિર્ણય’
મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્કે હાઈકોર્ટ સમક્ષ ધારદાર દલીલ કરી હતી કે આ કોઈ વહીવટી અતિશયતા કે ઉતાવળમાં લેવાયેલું પગલું નથી. રાજ્ય સરકારે અત્યંત ધીરજ પૂર્વક ન્યાયિક પ્રક્રિયાનું પાલન કર્યું છે. આશ્રમ તંત્રને કાયદેસર રીતે જરૂરી હોય તેના કરતાં પણ વધુ વખત નોટિસ આપવામાં આવી હતી અને અનેકવાર સુનાવણીની તક પૂરી પાડવામાં આવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું કે જાહેર જમીન પર ઇંચે-ઇંચ અતિક્રમણ કરીને પાછળથી તેને કાયદેસર બનાવવાની પદ્ધતિ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય હોઈ શકે નહીં.
સંવેદનશીલ વિસ્તારમાં કડક વલણ
મોટેરા વિસ્તારમાં જમીનના દુરુપયોગ મુદ્દે વધતી જતી ચિંતા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ પણ આકરું વલણ અપનાવ્યું છે. તાજેતરમાં જ AMCએ આસારામ આશ્રમમાં આવેલા 30 થી વધુ ગેરકાયદે બાંધકામોને ઇમ્પેક્ટ ફી ભરીને નિયમિત કરવાની અરજીઓને નામંજૂર કરી દીધી હતી. ખાસ કરીને સ્પોર્ટ્સ એનક્લેવ જેવા સંવેદનશીલ અને વ્યૂહાત્મક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન આપી શકાય નહીં તેવી મ્યુનિસિપલ તંત્રની સ્પષ્ટ નીતિને કારણે આશ્રમની કાનૂની મુશ્કેલીઓ વધી છે.
ઓલિમ્પિક વિલેજ કે સ્પોર્ટ્સ એકેડમી માટે જમીનનો ઉપયોગ થશે?
હાઈકોર્ટના આ ચુકાદાથી રમતગમત પ્રેમીઓમાં ખુશીની લહેર છે. આ 45,000 ચોરસ મીટર જમીન હવે સીધી રીતે સરકારના સ્પોર્ટ્સ પ્રોજેક્ટ્સમાં ઉપયોગમાં લઈ શકાશે. મોટેરા વિસ્તાર હવે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ભારતનું રમતગમત ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્રબિંદુ બની રહ્યું છે, ત્યારે આટલી વિશાળ જગ્યા મળવાથી ત્યાં નવી સ્પોર્ટ્સ એકેડમી અથવા ઓલિમ્પિક વિલેજ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી શકાશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ આ જમીનનો કબજો લઈ તેના ઉપયોગ અંગેની સત્તાવાર જાહેરાત કરી શકે છે.








