Gujarat HC stray dog sterilization: ગુજરાતમાં રખડતાં કૂતરાંની વસતી નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવતા ખસીકરણ અને રસીકરણની કામગીરી અંગે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રખડતાં કૂતરાં અને ઢોરની સમસ્યા નિવારવા માટે લેવામાં આવેલા પગલાંનો અહેવાલ રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, સુનાવણી દરમિયાન માત્ર 17 જિલ્લાનો ડેટા રજૂ થતાં અરજદાર તરફથી સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સરકારે સ્વીકાર્યું હતું કે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં એનિમલ બર્થ કંટ્રોલ (ABC) સેન્ટર ઉપલબ્ધ નથી, જેના કારણે સમગ્ર રાજ્યનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરવામાં મુશ્કેલી પડી રહી છે.
માત્ર 17 જિલ્લાનો ડેટા રજૂ થતાં અરજદારનો વિરોધ
ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન અરજદાર તરફથી ઍડ્વોકેટ મેધા જાનીએ રજૂઆત કરી હતી કે રખડતાં કૂતરાંના ખસીકરણ અને રસીકરણ અંગે કોર્પોરેશનો પાસેથી મળેલો ડેટા જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અરજદારના જણાવ્યા અનુસાર, છેલ્લા છ મહિનામાં કેટલાં કૂતરાંનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું તેની વિગતો માત્ર 17 જિલ્લાની જ રજૂ કરાઈ હતી, જ્યારે બાકીના 17 જિલ્લાનો ડેટા ઉપલબ્ધ નહોતો. કૂતરાંની વસતી નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા પગલાં લેવામાં આવી રહ્યાં છે તેની સંપૂર્ણ માહિતી પણ રજૂ થવી જોઈએ, એવી રજૂઆત કરવામાં આવી હતી.
કૂતરાંને કઈ રસી અપાય છે? હાઇકોર્ટે પણ માગી વિગતો
સુનાવણી દરમિયાન રખડતાં કૂતરાંને આપવામાં આવતી રસી અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કૂતરાંને કઈ રસી આપવામાં આવે છે, તે કઈ કંપનીની છે અને રસીકરણ બાદ કોઈ આડઅસર થતી હોય તો તેની વિગતો શું છે, તે અંગે હાઇકોર્ટે વધુ માહિતી માગી હોવાનું જણાવાયું છે. રખડતાં કૂતરાંના રસીકરણ અને ખસીકરણની કામગીરી અસરકારક રીતે થઈ રહી છે કે નહીં, તેની ચકાસણી માટે જિલ્લાવાર આંકડા અને સંબંધિત વિગતો મહત્ત્વપૂર્ણ છે. આથી રાજ્ય સરકાર પાસેથી વધુ સંપૂર્ણ માહિતી મેળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કેટલાક જિલ્લાઓમાં ABC સેન્ટર ન હોવાથી ડેટાની મુશ્કેલી
રાજ્ય સરકારે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે હાલ કેટલાક જિલ્લાઓમાં એનિમલ બર્થ કંટ્રોલ (ABC) સેન્ટર નથી. તેના કારણે ત્યાં કરવામાં આવેલી કામગીરીનો સીધો અને સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ થઈ શક્યો નથી. સરકારના જણાવ્યા અનુસાર, વડોદરામાં રખડતાં કૂતરાંના ખસીકરણ માટે વિશાળ માળખું અને પૂરતી ક્ષમતા ઉપલબ્ધ છે. તેથી આસપાસના જિલ્લાઓમાંથી કૂતરાંને વડોદરા લઈ જઈને ખસીકરણ કરવામાં આવ્યું હતું. આ કારણસર કેટલાક જિલ્લાઓના આંકડા શૂન્ય દર્શાવવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા સરકારે કરી હતી. સરકારનો દાવો હતો કે કોઈ જિલ્લામાં શૂન્ય ડેટા દર્શાવાયો હોય તેનો અર્થ એ નથી કે ત્યાં ખસીકરણની કામગીરી થઈ જ નથી. રાજ્યમાં વિવિધ સ્થળોએ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ સ્પષ્ટતા બાદ હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે જો સુપ્રીમ કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરવાનો થાય, તો શું ત્યાં પણ કેટલાક જિલ્લાનો ડેટા શૂન્ય દર્શાવવામાં આવશે?
79,150 સરકારી અને જાહેર સંસ્થાઓમાં તપાસનો દાવો
ગુજરાત સરકારે કોર્ટને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને રાજ્યની કુલ 79,150 સરકારી અને જાહેર સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી છે. આ યાદીમાં શાળાઓ, આંગણવાડીઓ, હૉસ્પિટલો, બસ ડેપો અને ગ્રામ પંચાયતોની કચેરીઓ સહિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા મુજબ, આ સંસ્થાઓના પરિસરમાં રખડતાં કૂતરાંના રસીકરણ અને ખસીકરણ સહિતની કામગીરી કરવામાં આવી છે. કામગીરીના સંકલન અને દેખરેખ માટે વધુ છથી સાત નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે. આ અધિકારીઓ દ્વારા સંસ્થાઓમાં નિયમિત તપાસ કરવામાં આવતી હોવાનો સરકારનો દાવો છે.
114 શૈક્ષણિક સંસ્થાઓ રખડતાં કૂતરાંથી મુક્ત કર્યાનો દાવો
રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું હતું કે રસીકરણ અને ખસીકરણની કામગીરી બાદ સંબંધિત સંસ્થાઓના પરિસરમાં રખડતાં કૂતરાંની સંખ્યામાં વધારો થયો નથી. આ ઉપરાંત, આશરે 114 શૈક્ષણિક સંસ્થાઓને રખડતાં કૂતરાંથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. જોકે, આ દાવાઓની અસરકારકતા અને સમગ્ર રાજ્યમાં થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લાવાર સંપૂર્ણ આંકડા રજૂ થવા જરૂરી છે. ખાસ કરીને જ્યાં ABC સેન્ટર ઉપલબ્ધ નથી ત્યાં ખસીકરણની કામગીરી કેવી રીતે કરવામાં આવી અને તેનો રેકોર્ડ કેવી રીતે જાળવવામાં આવ્યો, તે બાબતો પણ મહત્ત્વપૂર્ણ બની છે.
સંપૂર્ણ ડેટા રજૂ કરવા સરકારે વધુ સમય માગ્યો
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રખડતાં કૂતરાં અને ઢોર અંગે રાજ્ય સરકારે લીધેલાં પગલાંનો અહેવાલ દર ચાર મહિને રજૂ કરવાનો છે. આ માટે સંબંધિત વિભાગના ચીફ સેક્રેટરીએ કોર્પોરેશનો અને નગરપાલિકાઓ સાથે સંકલન કરીને માહિતી એકત્રિત કરવાની હોય છે. હાલની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે તમામ જિલ્લાઓમાંથી સંપૂર્ણ ડેટા એકત્રિત કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે વધુ સમય માગ્યો હતો. હાઇકોર્ટે આ મામલે આગળની સુનાવણી આવતા અઠવાડિયે રાખી છે. હવે આગામી સુનાવણીમાં રાજ્ય સરકાર જિલ્લાવાર કેટલો સંપૂર્ણ ડેટા રજૂ કરે છે અને જ્યાં ABC સેન્ટર નથી ત્યાં ખસીકરણની કામગીરી માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે, તેના પર ધ્યાન રહેશે.








