Illegal mining transport vehicles: રાજ્યભરમાં ખનિજનું ગેરકાયદે અથવા ઓવરલોડ વહન કરતા વાહનો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખનિજ વિભાગે નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ મહત્વપૂર્ણ નીતિગત ફેરફાર કર્યો છે, જેમાં ગેરરીતિ કરતા વાહનોને દંડ ભરપાઈ કરીને તરત છોડવાની જૂની વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ, ડમ્પર, ટ્રક અથવા ટ્રેક્ટર જેવા વાહનો જો ગેરકાયદે ખનિજ વહન કે ઓવરલોડ સાથે ઝડપાતા, તો નક્કી કરાયેલ દંડ ભરીને તેઓ ફરીથી છૂટતા અને એ જ ગેરકાયદે પ્રવૃત્તિમાં સક્રિય થઈ જતા. હવે આ પ્રથા પર પૂર્ણવિરામ મુકવામાં આવ્યું છે.
ઓછામાં ઓછા 30 દિવસ સુધી જપ્ત રહેશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોઈ વાહન ગંભીર ગેરરીતિમાં ઝડપાશે તો તે ઓછામાં ઓછા 30 દિવસ સુધી જપ્ત રહેશે. વાહન જપ્ત થયાના પ્રથમ 10 દિવસ સુધી કોઈ પણ પ્રકારની અરજી કે સમાધાન સ્વીકારવામાં આવશે નહીં. આ સમયગાળા દરમિયાન વાહનની માલિકી, ઓળખ, નંબર પ્લેટ અને અગાઉના ગુનાહિત ઇતિહાસની વિગતવાર તપાસ કરવામાં આવશે. 30 દિવસ પૂર્ણ થયા બાદ જ સમાધાન કરવું કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવાશે. ખનિજ વિભાગે વધુ એક કડક નિર્ણય લીધો છે. જો કોઈ વાહન ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિમાં ત્રણ વખત ઝડપાશે, તો તે વાહન રાજ્ય સરકાર હસ્તક કાયમી રીતે જપ્ત (રાજ્યસાત) કરવામાં આવશે. આ પગલાથી ખનિજ માફિયા અને ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે, જ્યારે કાયદેસર ખનન સાથે જોડાયેલા લોકોમાં આ નિર્ણયને આવકાર મળ્યો છે.
વાહનનો ગુનાહિત ઇતિહાસ તપાસી શકાય
નવા નિયમો મુજબ તમામ ખનિજ વહન કરતા વાહનોમાં GPS લગાવવું ફરજિયાત રહેશે. GPS બંધ રાખવું અથવા કઈ રીતે બંધ કરવું ગુનો ગણાશે. આ ટેક્નોલોજી દ્વારા વાહન ક્યાં છે, ક્યાં રોકાયું છે અને તેનું અગાઉનું રેકોર્ડ શું છે તે સરળતાથી જાણી શકાશે. નંબર પ્લેટના આધારે પણ વાહનનો ગુનાહિત ઇતિહાસ તપાસી શકાય તેવો દાવો કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ, ઓવરલોડ વાહનો પર કડક નિયંત્રણ આવતા રાજ્યના રસ્તાઓને થતું ભારે નુકસાન અટકશે અને માર્ગ સુરક્ષા પણ સુધરશે. મહત્વનું એ છે કે આ નિયમો બાદ ખનિજ વિભાગનો સ્ટાફ હવે કોઈ દબાણ વિના નિર્ભયતાથી કાર્યવાહી કરી શકશે.








