Gujarat GIDC amnesty scheme: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને સરળ બનાવવા રાજ્ય સરકારે GIDC પ્લોટધારકો તથા MSME ઉદ્યોગકારો માટે મહત્વની એમ્નેસ્ટી સ્કીમ જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયથી અગાઉના તબદીલી વ્યવહારોમાં બાકી રહેલી સ્ટેમ્પ ડ્યુટી અને તેના પર લાગતા ભારે દંડમાંથી વર્તમાન મિલકતધારકોને મોટી નાણાકીય રાહત મળશે. ખાસ કરીને જૂના GIDC પ્લોટ અને શેડના વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીની ખામીઓના કારણે ઊભી થયેલી સમસ્યાનો ઉકેલ લાવવાનો આ યોજનાનો હેતુ છે.
એલોટમેન્ટ લેટર અથવા સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટ
ભૂતકાળમાં GIDCના પ્લોટ કે શેડની તબદીલી વખતે રજિસ્ટર્ડ લીઝ ડીડ કરવાને બદલે એલોટમેન્ટ લેટર અથવા સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટ કરવામાં આવતા હતા. પરિણામે યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરાઈ શકતી નહોતી અને ત્યારબાદના વ્યવહારો સમયે વર્તમાન માલિકો પર વધારાનો બોજ આવતો હતો. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમમાં 2025માં થયેલા સુધારા બાદ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી પર વ્યાજ અને ભારે પેનલ્ટીની જોગવાઈને કારણે આ સમસ્યા વધુ ગંભીર બની હતી. ઉદ્યોગકારો અને GIDC એસોસિએશનની રજૂઆતો બાદ સરકારે હવે રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
પેનલ્ટીની કુલ રકમ મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતાં ઓછી
આ એમ્નેસ્ટી સ્કીમ હેઠળ પાત્ર MSME એકમોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે, એટલે કે પાત્ર કિસ્સામાં માત્ર 20% સ્ટેમ્પ ડ્યુટી અને લાગુ પેનલ્ટી ચૂકવવાની રહેશે. જોકે, જ્યાં 20% ડ્યુટી અને પેનલ્ટીની કુલ રકમ મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતાં ઓછી હશે, ત્યાં ઓછામાં ઓછી મૂળ સ્ટેમ્પ ડ્યુટી જેટલી રકમ વસૂલવામાં આવશે. 30 જૂન 2025 સુધી થયેલા પાત્ર એલોટમેન્ટ લેટર, શેર ટ્રાન્સફર, ભાડાપટ્ટા, પેટા-ભાડાપટ્ટા અને મિલકત તબદીલીના વ્યવહારોને આ યોજનામાં આવરી લેવામાં આવશે. આ લાભ માટે માન્ય Udyam Certificate ધરાવતા MSME એકમો પાત્ર રહેશે.
મિલકતની કાયદેસર રજિસ્ટર્ડ નોંધણી કરાવવી ફરજિયાત
યોજનાનો લાભ લેનારા વર્તમાન ફાળવણીદારે રાહત મુજબની ડ્યુટી અને પેનલ્ટી ચૂકવીને મિલકતની કાયદેસર રજિસ્ટર્ડ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. અપીલ હેઠળના કેટલાક કેસોમાં નિયમો મુજબ લાભ મેળવવાની જોગવાઈ છે, જ્યારે કોર્ટમાં પિટિશન દાખલ થયેલા કેસોમાં પિટિશન પરત ખેંચવાની શરતે યોજના લાગુ થઈ શકશે. સરકારના આ નિર્ણયથી જૂના સ્ટેમ્પ ડ્યુટી વિવાદો ઉકેલવામાં મદદ મળશે અને GIDC તથા MSME ક્ષેત્રમાં વધુ પારદર્શક તથા કાયદેસર વ્યવહારોને પ્રોત્સાહન મળવાની શક્યતા છે.








