PM Narendra Modi to Flag Off two Train on October 30: ગુજરાતના વિકાસ અને મુસાફરોની સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાવા જઈ રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 30 ઑક્ટોબર 2026ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યને બે નવી અદ્યતન ટ્રેન સેવાઓની ભેટ અર્પણ કરશે. આ બંને ટ્રેનોમાં સાબરમતી-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ (MEMU) ટ્રેનનો સમાવેશ થાય છે. આ ખાસ પ્રસંગે સાબરમતી અને બેચરાજી રેલવે સ્ટેશન ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સ્થાનિક સાંસદો, ધારાસભ્યો અને અમદાવાદના મેયર સહિત અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
કાશી વિશ્વનાથ અને બહુચર માના ભક્તો માટે ખુશીના સમાચાર
ભારતીય રેલવે હવે માત્ર મુસાફરીનું સાધન ન રહેતાં સાંસ્કૃતિક અને ધાર્મિક જોડાણનું સશક્ત માધ્યમ બની રહી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ડીઆરએમ (DRM) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ નવી ટ્રેન સેવાઓથી રાજ્યના ધાર્મિક પ્રવાસનને અભૂતપૂર્વ વેગ મળશે. સાબરમતી-વારાણસી એક્સપ્રેસ શરૂ થવાથી બાબ વિશ્વનાથના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે સુગમ અને સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે. તો બીજી તરફ, શક્તિપીઠ બહુચરાજી દર્શનાર્થે જતા લાખો મા ભક્તજનો માટે મહેસાણા-બેચરાજી મેમુ ટ્રેન એક આશીર્વાદરૂપ સાબિત થશે.
ત્રણેય રાજ્યો વચ્ચે કનેક્ટિવિટી થશે મજબૂત: સાબરમતી-વારાણસી એક્સપ્રેસની વિગતો
નવી શરૂ થનારી ટ્રેન નંબર 12205/12206 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા ત્રણ મુખ્ય રાજ્યોના મહત્ત્વના શહેરોને એક તાંતણે બાંધશે. દરરોજ દોડનારી આ દૈનિક એક્સપ્રેસ ટ્રેન મુસાફરો માટે અત્યંત આરામદાયક મુસાફરીની ખાતરી આપે છે.
સમયપત્રક:
ટ્રેન નં. 12205 (સાબરમતી થી વારાણસી): સાબરમતી સ્ટેશનથી દરરોજ સવારે 05:20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 06:30 વાગ્યે વારાણસી પહોંચશે.
ટ્રેન નં. 12206 (વારાણસી થી સાબરમતી): વારાણસીથી દરરોજ સાંજે 17:30 (05:30) વાગ્યે રવાના થઈને બીજા દિવસે રાત્રે 20:15 વાગ્યે સાબરમતી પરત ફરશે.
મુખ્ય સ્ટોપેજ: આ ટ્રેન રૂટ દરમિયાન મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, મંડાવર મહવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર, ઇદગાહ, આગ્રા જંક્શન, ટુંડલા, ગોવિંદપુરી, સૂબેદારગંજ અને મિર્ઝાપુર જેવા પ્રમુખ સ્ટેશનો પર રોકાણ કરશે.
ઉત્તર ગુજરાતના મુસાફરો અને વેપારીઓ માટે વરદાન
ઉત્તર ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને સાંકળતી મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સ્થાનિક મુસાફરો, દૈનિક નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે આર્થિક અને સમયની દ્રષ્ટિએ મોટો ફાયદો લાવશે. આ ટ્રેન સેવા દિવસમાં બે વાર (સવાર અને સાંજ) ઉપલબ્ધ રહેશે:
સવારની સેવા: સાબરમતીથી સવારે 06:40 વાગ્યે ઊપડીને 08:05 વાગ્યે બેચરાજી અને સવારે 09:45 વાગ્યે મહેસાણા પહોંચશે. વળતી મુસાફરીમાં મહેસાણાથી સાંજે 16:40 વાગ્યે રવાના થઈ 17:49 વાગ્યે બેચરાજી અને રાત્રે 20:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
સાંજની સેવા: સાબરમતીથી સાંજે 17:05 વાગ્યે નીકળીને 18:48 વાગ્યે બેચરાજી અને રાત્રે 20:25 વાગ્યે મહેસાણા પહોંચશે. જ્યારે વળતી ટ્રેન મહેસાણાથી સવારે 07:05 વાગ્યે ઉપડીને 07:50 વાગ્યે બેચરાજી અને સવારે 10:20 વાગ્યે સાબરમતી પરત ફરશે.
મુખ્ય સ્ટેશનો: ચાંદખેડા, કલોલ, કડી, ભોયણી, કટોસણ રોડ, બેચરાજી, ચાણસ્મા અને રણુજ જેવા રૂટ પરથી પસાર થઈને ટ્રેન સ્થાનિક કનેક્ટિવિટી સુધારી આપશે.
પ્રવાસન અને આર્થિક વિકાસને મળશે નવી ઊંચાઈ
કેન્દ્રીય રેલવે મંત્રાલય અને રાજ્ય સરકારના આ સંયુક્ત પ્રયાસોથી ગુજરાતમાં સ્થાનિક વેપાર, ઉદ્યોગો અને સામાજિક-આર્થિક ગતિવિધિઓને મોટો વેગ મળશે. વેપારીઓ માટે માલસામાનની હેરફેર સરળ બનશે, તો શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક સ્થળો સુધી પહોંચવું વધુ સુગમ અને આર્થિક રીતે પોષાય તેવું બનશે. વડાપ્રધાન મોદીના આ ડ્રીમ વિઝનથી ગુજરાતમાં રેલ પરિવહન ક્ષેત્રે સમૂળગો બદલાવ જોવા મળી રહ્યો છે.








