Gujarat flood relief: ગુજરાતમાં પૂર અને પાણી ભરાવાથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વલસાડ, નવસારી, સુરત સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પીડિતોને ઝડપથી આર્થિક સહાય પહોંચાડવામાં આવી રહી છે. પૂરનું પાણી ઓસર્યાના 24 કલાકની અંદર જ નહીં, પરંતુ માત્ર 18 કલાકમાં અધિકારીઓ ગામડે-ગામડે પહોંચી સીધી સહાય આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
બે સભ્યોને ત્રણ દિવસ માટે કુલ ₹1,800 આપવામાં આવ્યા
પૂરના કારણે રોજગારી ગુમાવનારા પરિવારોને કેશ ડોલ્સ તરીકે દૈનિક ₹300ના હિસાબે પરિવારના વધુમાં વધુ બે સભ્યોને ત્રણ દિવસ માટે કુલ ₹1,800 આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘરવખરી અને કપડાં માટે ₹2,500ની સહાય સહિત અસરગ્રસ્ત પરિવારને પ્રાથમિક તબક્કે કુલ ₹6,800 સુધીની આર્થિક મદદ આપવામાં આવી રહી છે. રાહત કામગીરીમાં વિલંબ ન થાય તે માટે જિલ્લા કલેક્ટરોને સીધું ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જેથી સ્થાનિક સ્તરે ઝડપથી સહાયનું વિતરણ થઈ શકે.
સહાય ચૂકવવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું
દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ખેતી, ઘરવખરી, મકાન અને પશુધનના નુકસાન બદલ કુલ 2,40,062 અસરગ્રસ્તોને ₹163.68 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે. તેમાં વલસાડ જિલ્લામાં ₹73.56 કરોડ અને નવસારી જિલ્લામાં ₹68.75 કરોડની સહાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગત વર્ષે પાક નુકસાનનો સામનો કરનારા ખેડૂતો માટે રાજ્ય સરકારે ₹10,000 કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું હતું.
બમણી સહાય ચૂકવવામાં આવી હતી
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ ખેડૂતોને રાહત આપવા માટે આ પેકેજ હેઠળ SDRFના સામાન્ય ધોરણો કરતાં બમણી સહાય ચૂકવવામાં આવી હતી. હાલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ તાત્કાલિક સહાય સાથે નુકસાનના સર્વે અને રાહત કામગીરીને ઝડપી બનાવવામાં આવી રહી છે. સરકારનો મુખ્ય હેતુ અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી નાણાકીય મદદ શક્ય તેટલા ઓછા સમયમાં પહોંચાડવાનો છે.








