Indian Railways LHB Coach Upgrade: અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ વચ્ચે દરરોજ હજારો મુસાફરો ટ્રેનમાં અવરજવર કરે છે. નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે આ ટ્રેનો મુસાફરીનું મહત્વનું માધ્યમ છે. મુસાફરોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા જૂના ICF કોચની જગ્યાએ તબક્કાવાર આધુનિક LHB કોચ લગાવવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને ત્રણ લોકપ્રિય ટ્રેનોને LHB રેક સાથે દોડાવવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદની 3 લોકપ્રિય ટ્રેનો હવે LHB રેક સાથે દોડશે
અમદાવાદ ડિવિઝન હેઠળની નીચેની ત્રણ ટ્રેનોમાં LHB કોચ લગાવવામાં આવશે:
ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ: અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ (ADI – MMCT)
ગુજરાત ક્વીન: અમદાવાદ – વલસાડ (ADI – BL)
વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ: અમદાવાદ – વડોદરા (ADI – BRC)
અકસ્મતમાં કોચ એકબીજા પર ચડવાનું જોખમ ઘટશે
પરંપરાગત ICF કોચની સરખામણીએ LHB કોચ સ્ટેનલેસ સ્ટીલથી બનાવવામાં આવે છે અને તેમાં એન્ટિ-ટેલિસ્કોપિક ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આ ડિઝાઇનનો હેતુ અકસ્માતની સ્થિતિમાં કોચ એકબીજાની ઉપર ચડી જવાની અથવા એક કોચ બીજા કોચની અંદર ઘૂસી જવાની શક્યતા ઘટાડવાનો છે. જેના કારણે અકસ્માત સમયે મુસાફરોની સુરક્ષામાં સુધારો થઈ શકે છે.
અદ્યતન ડિસ્ક બ્રેકિંગ સિસ્ટમથી વધુ સુરક્ષા
LHB કોચમાં આધુનિક ડિસ્ક બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવે છે. હાઈ સ્પીડ પર દોડતી ટ્રેનને પણ ઈમરજન્સી સ્થિતિમાં વધુ અસરકારક રીતે નિયંત્રિત કરવામાં આ સિસ્ટમ મદદરૂપ થાય છે. જેના કારણે ટ્રેનની બ્રેકિંગ કામગીરીમાં સુધારો થાય છે.
આંચકા અને અવાજ ઓછો, મુસાફરી વધુ આરામદાયક
LHB કોચમાં આધુનિક સસ્પેન્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે મુસાફરી દરમિયાન અનુભવાતા ઝટકા અને ધ્રુજારીમાં ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત કોચની ડિઝાઇનને કારણે અવાજ પણ ઓછો અનુભવાય છે, જેથી લાંબી મુસાફરી દરમિયાન મુસાફરોને વધુ આરામદાયક અનુભવ મળી શકે છે.








