Gandhinagar News: ગુજરાતમાં દારૂબંધીના અસરકારક અમલના સરકારી દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. ગુજરાતમાં જે રીતે ડ્રગ્સનો જંગી જથ્થો સતત પકડાઈ રહ્યો છે, તે જોતાં 'ડ્રગ્સમુક્ત ગુજરાત' જાણે ડ્રગ્સનું મુખ્ય એન્ટ્રી પોઇન્ટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકસભામાં આપેલા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે, વર્ષ 2018થી 2022 સુધીના પાંચ વર્ષમાં ગુજરાતમાંથી કુલ મળીને 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. આ આંકડો સ્પષ્ટ સંકેત આપે છે કે પાછલા બારણે ગુજરાતમાં કેટલા મોટાપાયે ડ્રગ્સનો પ્રવેશ થતો હશે.
હજારો યુવાઓ MD ડ્રગ્સના બંધાણી બન્યા
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામપૂરતી રહી છે, પરંતુ તેનાથી પણ વધુ ગંભીર દૂષણ હવે ડ્રગ્સનું વકર્યું છે. સરકાર ભલે ડ્રગ્સમુક્ત ગુજરાતનો દાવો કરે, પણ કડવી હકીકત એ છે કે ગુજરાતમાં જ મોટાપાયે ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. હજારો યુવાઓ ડ્રગ્સના, ખાસ કરીને MD ડ્રગ્સના આદી બન્યા છે, જેના કારણે તેની ડિમાન્ડમાં જબરદસ્ત વધારો થયો છે. આ ડિમાન્ડને કારણે રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓનું એક સુવ્યવસ્થિત નેટવર્ક સક્રિય થયું છે.
શંકાના વાદળો,કરોડોનું ડ્રગ્સ કોણે મોકલ્યું?
ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 15-20 હજાર કિલો ડ્રગ્સ પકડાય છે, જે બાતમીના આધારે પકડાતું હોય છે. પરંતુ કરોડો રૂપિયાનું આ ડ્રગ્સ કોણે મોકલ્યું? ક્યાંથી આવ્યું? અને કોના માટે મોકલ્યું? આ બધાય મહત્ત્વના પ્રશ્નોનો જવાબ પોલીસને મળી શક્યો નથી તે શંકા ઉપજાવે તેવું છે. ડ્રગ્સ માફિયાઓના તાર ક્યા શહેર-ગામડાના સ્થાનિકો સાથે સંકળાયેલા છે, તેની પણ પોલીસને ભાળ મળી શકી નથી.
ડ્રગ્સ માફિયાઓને પોલીસનો ડર રહ્યો નથી
એક ગંભીર આક્ષેપ એ પણ થઈ રહ્યો છે કે, ડ્રગ્સ માફિયાઓને રાજકીય આશ્રય મળતાં ડ્રગ્સનું ઠેર ઠેર વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, સતત જંગી જથ્થો પકડાવા છતાં ડ્રગ્સ માફિયાઓ કે મુખ્ય પેડલરો ઝડપાતા નથી, તેનાથી સ્પષ્ટ થાય છે કે તેમને ખાખી (પોલીસ) અને ખાદી (રાજકારણ)ના આશીર્વાદને પગલે ડ્રગ્સના વેપારનો ડર રહ્યો નથી. હપ્તાના કારણે ડ્રગ્સ પેડલરો પણ ડર્યા વિના ખુલ્લેઆમ ગુનાખોરી કરી રહ્યા છે.
શિક્ષિત યુવા-મહિલાઓ પણ ડ્રગ્સ પેડલરની ભૂમિકામાં
ડ્રગ્સના વેપારના દૂષણમાં માત્ર પુરુષો જ નહીં, પરંતુ હવે મહિલાઓ પણ ડ્રગ્સ પેડલર બની રહી છે. આ ઉપરાંત, રાજ્યમાં વધતી જતી મોંઘવારી અને બેરોજગારીને લીધે શિક્ષિત યુવાઓ પણ ડ્રગ્સ વેચીને ગુનાખોરીના માર્ગે વળ્યા છે. ડ્રગ્સનું દૂષણ વકરતાં શહેરો અને ગામડાઓમાં ડ્રગ્સ પેડલેરો સક્રિય થયાં છે, જેના કારણે ખૂણેખાંચરે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અને હજારો યુવા ડ્રગ્સના બંધાણી બની ચૂક્યાં છે.
ડ્રગ્સના વેપારના મૂળિયા સુધી પહોંચવામાં પોલીસનો પનો ટૂંકો
ડ્રગ્સનો કરોડો રૂપિયાનો જથ્થો પકડીને સરકાર અને પોલીસ માત્ર વાહવાહી લૂંટી રહી છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે ડ્રગ્સના વેપારના મૂળિયા સુધી પહોંચવામાં પોલીસનો પનો ટૂંકો પડ્યો છે. જ્યાં સુધી ડ્રગ્સના મુખ્ય માફિયાઓ અને તેમને રાજકીય આશ્રય આપનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી ડ્રગ્સમુક્ત ગુજરાતનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહેશે.








