CM Bhupendra Patel meets tie Toronto: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશન હાલ US-કેનેડા પ્રવાસે છે, ત્યારે ટોરોન્ટો મુલાકાતના બીજા દિવસે Vibrant Gujarat Summit-2027ને લઈને મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે TiE – The Indus Entrepreneursના આશરે 30 પ્રતિનિધિઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક કરી હતી. આ દરમિયાન સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ઉદ્યોગસાહસિકો અને TiEના સભ્યો સાથે ગુજરાતમાં રોકાણ અને બિઝનેસની નવી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ટેક્નોલોજી અને ફિનટેકમાં સહયોગ વધારવા પર ભાર
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગ્લોબલી કોમ્પિટિટિવ અને ઈનોવેશન આધારિત ઈકોનોમીના વિઝન અંગે ચર્ચા કરી હતી. ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની રહ્યું હોવાનું જણાવી તેમણે ટેક્નોલોજી, પબ્લિક પોલિસી, ફાયનાન્શિયલ સર્વિસિસ અને ફિનટેક જેવા ક્ષેત્રોમાં કેનેડિયન તથા ગુજરાતી ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવાની તકો પર ભાર મૂક્યો હતો. બંને દેશોના ઉદ્યોગો વચ્ચે ભાગીદારી અને બિઝનેસ કનેક્શનને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી.
ગુજરાતની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમની માહિતી આપી
બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ TiEના સભ્યોને ગુજરાતની મજબૂત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ, ઈન્વેસ્ટર-ફ્રેન્ડલી પોલિસી અને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે માહિતી આપી હતી. TiE Torontoની સ્થાપના વર્ષ 2000માં થઈ હતી અને તે ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, નિષ્ણાતો અને ઉદ્યોગ અગ્રણીઓને એક પ્લેટફોર્મ પર જોડવાનું કામ કરે છે. સોફ્ટવેર, હાર્ડવેર, હેલ્થકેર, બાયોટેક, મીડિયા, ટેલિકોમ, IT સર્વિસિસ અને ફાયનાન્શિયલ સેક્ટર સહિત વિવિધ ક્ષેત્રોના લોકો તેના નેટવર્ક સાથે જોડાયેલા છે.
Canadian Hindu Chamber of Commerce સાથે પણ બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય એક રાઉન્ડ ટેબલ બેઠકમાં Canadian Hindu Chamber of Commerce (CHCC)ના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે Vibrant Gujarat Summit-2027માં CHCC દ્વારા ભાગીદારી અંગે દર્શાવવામાં આવેલી ઉત્સુકતાની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ કેનેડિયન ઉદ્યોગસાહસિકોને ગુજરાતમાં રોકાણ, ઈનોવેશન અને બિઝનેસ સ્કેલિંગની તકો શોધવા આમંત્રણ આપ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમિટ દરમિયાન નવા B2B જોડાણો, રોકાણો અને વ્યાપારી ભાગીદારીના માર્ગો ખુલશે, જે ગુજરાત અને કેનેડા વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.








