Silver anklet robbery murder case Chhota Udaipur: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ ગઢબોરીયાદ ગામે માનવતાને શરમાવે તેવી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ચાંદીના કડાં લૂંટવાના ઇરાદે અજાણ્યા આરોપીઓએ એક વૃદ્ધ મહિલાની નિર્મમ હત્યા કરી નાખી છે. કડાં ઉતારવા માટે તેમના બંને પગ કાપી નાખ્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ બનાવ સામે આવતા સમગ્ર વિસ્તાર ભય અને આક્રોશની લાગણીથી ઘેરાઈ ગયો છે.
મૃતક મહિલાની ઓળખ
પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક મહિલાની ઓળખ 65 વર્ષીય દશરીબેન ભીલ તરીકે થઈ છે, જેઓ ગઢબોરીયાદ ગામના પ્રવેશદ્વાર નજીક એક કાચા મકાનમાં એકલા રહેતા હતા. સ્થાનિક આદિવાસી પરંપરા અનુસાર તેઓ પગમાં ચાંદીના કડાં પહેરતા હતા. આશંકા છે કે આ કડાં જ લૂંટારુઓના નિશાન પર હતા. ઘટનાની રાત્રે અજાણ્યા શખસોએ તેમના ઘરે ઘૂસી પહેલા તેમની હત્યા કરી અને પછી ધારદાર હથિયારનો ઉપયોગ કરીને બંને પગ કાપી નાખ્યા, જેથી કડાં સરળતાથી ઉતારી શકાય.
લોહીલુહાણ હાલતમાં વૃદ્ધાનો મૃતદેહ જોઈને ગામ લોકો સ્તબ્ધ
આ ઘટના ગામના મુખ્ય માર્ગ નજીક બની હોવાથી વહેલી સવારથી જ લોકોમાં હડકંપ મચી ગયો હતો. જ્યારે ગામ લોકોને ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓ સ્થળ પર દોડી આવ્યા અને લોહીલુહાણ હાલતમાં વૃદ્ધાનો મૃતદેહ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારબાદ તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. સૂચના મળતા જ નસવાડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસની કાર્યવાહી શરૂ કરી છે.
અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ હત્યા અને લૂંટનો ગુનો દાખલ
પોલીસે પ્રાથમિક તપાસના આધારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો છે. પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારોમાં તપાસ વધારી દેવામાં આવી છે અને સંદિગ્ધ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આ કેસને ઉકેલવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે, જે અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે. નજીકના ગામો અને રસ્તાઓ પર પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે, જેથી આરોપીઓ સુધી પહોંચી શકાય. પોલીસે આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં જ આરોપીઓને પકડી લેવામાં આવશે.








