Gujarat Congress Samvidhan Raksha March: અમદાવાદમાં ભાજપના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાનના જવાબમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે ‘સંવિધાન રક્ષા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકરો બસો ભરીને પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન પહોંચ્યા છે. કાર્યકરોએ ‘સંવિધાનનું સન્માન, કોંગ્રેસનું અભિયાન’ના પોસ્ટર સાથે ‘વોટ ચોર ગદ્દી છોડો’ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. માર્ચમાં પ્રદેશ પ્રભારી રણદીપસિંહ સૂરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા છે.
રાજીવ ગાંધી ભવન ખાતે જાહેરસભા બાદ માર્ચ યોજાશે
સંવિધાન રક્ષા માર્ચ પહેલાં પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેરસભા પૂર્ણ થયા બાદ માર્ચ અહીંથી શરૂ થઈને પાલડી ચાર રસ્તા સુધી જશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદીપસિંહ સૂરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખો, સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ પહોંચ્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો પણ અમદાવાદમાં એકત્રિત થયા છે.
‘મતના અધિકાર અને બંધારણની રક્ષા માટે માર્ચ’
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભારે તડકો હોવા છતાં મોટી સંખ્યામાં કાર્યકરો માર્ચમાં જોડાયા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ માર્ચ કોઈ ચૂંટણીલક્ષી કે સત્તા મેળવવાના હેતુથી યોજાઈ નથી, પરંતુ લોકોના મતાધિકાર અને બંધારણની રક્ષા માટે આયોજિત કરવામાં આવી છે. અમિત ચાવડાના જણાવ્યા મુજબ, કોંગ્રેસની સ્થાપના સત્તા મેળવવા માટે થઈ નહોતી. આઝાદી પછી જ્યારે પણ બંધારણીય અધિકારો પર હુમલો થયો અથવા લોકશાહીનું હનન કરવાનો પ્રયાસ થયો છે, ત્યારે કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે. લોકશાહી ખતમ કરીને મુઠ્ઠીભર લોકોનું શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ થશે ત્યાં સુધી કોંગ્રેસ બંધારણની રક્ષા માટે લડત ચાલુ રાખશે.
સોશિયલ મીડિયા પર લખનાર સામે પોલીસ કાર્યવાહીના આક્ષેપ
અમિત ચાવડાએ ગુજરાતમાં ભાજપના નેતાઓ સામે સોશિયલ મીડિયા પર લખનાર અથવા ઇન્ટરવ્યૂ આપનાર લોકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય બંધારણે દરેક નાગરિકને બોલવાની અને લખવાની સ્વતંત્રતા આપી છે, પરંતુ લોકોના આ અધિકારો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ આ મુદ્દે પણ વિરોધ નોંધાવશે.
SIR પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનરનો મુદ્દો ઉઠાવશે કોંગ્રેસ
સંવિધાન રક્ષા માર્ચ દરમિયાન કોંગ્રેસ દ્વારા મતદાર યાદીની SIR પ્રક્રિયાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે. પક્ષનો આક્ષેપ છે કે આ પ્રક્રિયા દરમિયાન અનેક લોકોનાં નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ પણ કરવામાં આવશે. અમિત ચાવડાએ ‘વોટ બચાવો, દેશ બચાવો’ના નારા સાથે કોંગ્રેસના કાર્યકરો ગામેગામ પહોંચશે તેમ જણાવ્યું હતું. તેમણે દરેક ગામમાં ‘વોટ રક્ષક’ની નિમણૂક કરીને એક પણ નાગરિકનો મતાધિકાર ન છીનવાય તે માટે જમીની સ્તરે કામગીરી કરવાની વાત પણ કરી હતી. હવે અમદાવાદમાં યોજાયેલી આ માર્ચ દ્વારા કોંગ્રેસ રાજ્યભરમાં બંધારણ અને મતાધિકારના મુદ્દે પોતાના વિરોધને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.








