CM Bhupendra Patel US Canada visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Vibrant Gujarat Global Investors Summit 2027 માટે અમેરિકા અને કેનેડાનો પ્રવાસ પૂર્ણ કરીને આજે ગુરુવારે અમદાવાદ પરત ફર્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓ અને અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં વધુમાં વધુ વૈશ્વિક મૂડીરોકાણ આવે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે વૈશ્વિક રોકાણકારોમાં રહેલો વિશ્વાસ પણ અનુભવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
સેમિકન્ડક્ટર, AI અને ડેટા સેન્ટર ક્ષેત્રે રોકાણની ચર્ચા
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સેન્ટર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. આ ઉપરાંત GIFT Cityમાં રોકાણ માટે ફાઇનાન્સિયલ ક્ષેત્રની મોટી કંપનીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બેઠકોના પરિણામે આગામી સમયમાં ગુજરાતમાં નોંધપાત્ર વૈશ્વિક મૂડીરોકાણ આવી શકે છે.
Vibrant Gujarat 2027 માટે વૈશ્વિક રોકાણકારોને આમંત્રણ
પ્રવાસ દરમિયાન આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારી 11મી Vibrant Gujarat Global Summit માટે વૈશ્વિક રોકાણકારો, ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓ અને ઇનોવેટર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળે રોકાણ, કોલેબોરેશન અને બિઝનેસ પાર્ટનરશિપ માટેની તકો અંગે વિવિધ કંપનીઓ સાથે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, ભારતમાં આવનારા વૈશ્વિક રોકાણનો મોટો હિસ્સો ગુજરાત તરફ આકર્ષાય તે પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો.
સાન ફ્રાન્સિસ્કોથી ન્યૂયોર્ક સુધી બેઠકોનો ધમધમાટ
ગુજરાતના પ્રતિનિધિમંડળે સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડી.સી. અને ન્યૂયોર્કમાં રોકાણકારો, ટેક્નોલોજી અગ્રણીઓ, યુવા ઉદ્યોગસાહસિકો, ઇનોવેટર્સ તેમજ ગુજરાતી ડાયસ્પોરા સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મમતા વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગ-વેપાર જગતના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. ગુજરાત સરકારને આશા છે કે આ પ્રવાસથી રાજ્યમાં નવા રોકાણ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીના માર્ગો વધુ મજબૂત બનશે.








