Gujarat cabinet GST Meeting: ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં સરકાર દ્વારા લેવાયેલા જનહિતના નિર્ણયો અને રાજ્યની આર્થિક પ્રગતિ અંગે માહિતી આપી હતી. બેઠકમાં રાજ્યના વરસાદની સ્થિતિની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
તંત્રને જરૂરી તૈયારીઓ રાખવા સૂચના આપવામાં આવી
કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના ઓછા વરસાદવાળા જિલ્લાઓમાં પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની અછત ન સર્જાય તે માટે તંત્રને જરૂરી તૈયારીઓ રાખવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિ પર સતત નજર રાખવા સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને ગ્રાઉન્ડ લેવલે સમીક્ષા કરવાની જવાબદારી સોંપી છે.
બેઠકમાં મહત્વના આંકડા રજૂ કરાયા
વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા રહ્યો છે, જ્યારે ગુજરાતના આર્થિક પ્રદર્શન અંગે પણ બેઠકમાં મહત્વના આંકડા રજૂ કરાયા હતા. GST દરોમાં રાહતજનક ફેરફારો છતાં રાજ્યમાં GST કલેક્શન સતત વધી રહ્યું છે. ગત મહિને 20 ટકાનો ગ્રોથ નોંધાયા બાદ ચાલુ મહિને GST કલેક્શનમાં 28 ટકાનો વધારો નોંધાયો હોવાનું જણાવાયું છે.
50 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નવો રેકોર્ડ બનાવાયો
ગુજરાતના બંદરોના પ્રદર્શન અંગે પણ બેઠકમાં મહત્વની માહિતી સામે આવી હતી. રાજ્યના એક પોર્ટ દ્વારા 50 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નવો રેકોર્ડ બનાવાયો છે. અગાઉની સરખામણીએ આ કાર્ગો હેન્ડલિંગમાં સવા ગણો વધારો હોવાનું જણાવાયું છે. સરકારના જણાવ્યા મુજબ, પોર્ટ કાર્ગોમાં થયેલો વધારો રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન અને વિદેશી નિકાસ પ્રવૃત્તિઓમાં થઈ રહેલી તેજી દર્શાવે છે.








