Gujarat Board Special Open School Exams 2026: ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમવાર સ્ટેટ ઓપન સ્કૂલિંગ હેઠળ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે અલગથી ખાસ બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ધોરણ 10 અને 12ના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષા
આ ખાસ બોર્ડ પરીક્ષા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક્સટર્નલ તરીકે અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આગામી નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન યોજાશે. જોકે, પરીક્ષાની ચોક્કસ તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓના સર્વે બાદ લેવાયો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 8 અને ધોરણ 10 બાદ કેટલા વિદ્યાર્થીઓ શાળા તથા અભ્યાસથી વંચિત રહી જાય છે તે જાણવા માટે વ્યાપક સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હોવાનું અથવા અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હોવાનું સામે આવ્યું હતું. ડ્રોપઆઉટ રેટને નિયંત્રિત કરવા માટે હવે સ્ટેટ ઓપન સ્કૂલિંગ હેઠળ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે અલગથી આ ખાસ બોર્ડ પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની મંજૂરી બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં પરીક્ષા યોજાશે.
ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ખાસ બોર્ડ પરીક્ષામાં બેસવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ 10 ઓક્ટોબર સુધી ઓનલાઈન માધ્યમથી પોતાના ફોર્મ ભરી શકશે. પરીક્ષામાં સામેલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં ફોર્મ ભરવાનું રહેશે.
વર્ષમાં બીજી વખત બોર્ડ પરીક્ષા આપવાની તક
નેશનલ ઓપન સ્કૂલિંગમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વર્ષમાં કુલ ત્રણ વખત લેવામાં આવે છે. આ જ પદ્ધતિને અનુસરીને ગુજરાત શિક્ષણ બોર્ડે પણ સ્ટેટ ઓપન સ્કૂલિંગ હેઠળ ધોરણ 10 અને 12ની પરીક્ષા વર્ષમાં બીજી વખત યોજવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી એક્સટર્નલ તરીકે અભ્યાસ કરવા ઈચ્છતા તેમજ અગાઉ બોર્ડ પરીક્ષાથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવાની તક મળશે. સરકારની આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે ફરી જોડવા અને રાજ્યમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવાનો છે.








