Gujarat BJP Organization Change: ગુજરાત ભાજપના જિલ્લા સંગઠનમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે શબ્દશરણ તડવીની નિમણૂક કરવામાં આવી છે. ભરૂચમાં પરેશ કાંતિ લાડ અને ડાંગ જિલ્લામાં સુરેશ મોતીરામ ચૌધરીને જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
નર્મદામાં ભાજપને મોટો ફટકો
તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નર્મદા જિલ્લામાં ભાજપના પરિણામો ચર્ચામાં રહ્યા હતા. મળતી માહિતી મુજબ, 22માંથી 15 બેઠકો પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી, જ્યારે ભાજપને સાત બેઠકો મળી હતી. કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નહોતું. આ પૃષ્ઠભૂમિ વચ્ચે નર્મદા જિલ્લા સંગઠનમાં પ્રમુખ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ નીલ રાવ જિલ્લા ભાજપ પ્રમુખ હતા. ફેબ્રુઆરી 2026માં નીલ રાવના નેતૃત્વ હેઠળ જિલ્લા ભાજપની નવી સંગઠન ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી.
મનસુખ વસાવા અને દર્શનાબેન દેશમુખની નારાજગી બાદ ફેરફાર
આ અગાઉ નર્મદા ભાજપમાં પૂર્વ જિલ્લા પ્રમુખ નીલ રાવની કાર્યશૈલી અને સંગઠનની સ્થિતિને લઈને સાંસદ મનસુખ વસાવા તથા નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને વિરોધ પણ કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો અને સંગઠનના આંતરિક મતભેદોની વચ્ચે હવે જિલ્લા પ્રમુખ બદલવામાં આવ્યા છે.
કોણ છે શબ્દશરણ તડવી?
નવા જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવી લાંબો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ 2012માં નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જોકે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના પ્રેમસિંહ વસાવા સામે પરાજિત થયા હતા. તડવી અગાઉ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે અને આદિજાતિ તથા વન વિભાગ સાથે જોડાયેલી જવાબદારી સંભાળી ચૂક્યા છે. 2026માં તેમને ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય તરીકે પણ સ્થાન મળ્યું હતું. હવે નર્મદા જિલ્લા સંગઠનની કમાન તેમના હાથમાં સોંપવામાં આવતા પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે સ્થાનિક સ્તરે નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓને સાથે રાખવાની જવાબદારી પણ તેમની સામે રહેશે.








