Gujarat Pollution News 2026: અમદાવાદના રસ્તાઓ પર સામાન્ય મુસાફરી દરમિયાન પણ કાળો ધુમાડો ઓકતાં અનેક વાહનો જોવા મળે છે. આવા વાહનોની પાછળ ચાલતા બાઇકચાલકો અને રાહદારીઓ સીધા પ્રદૂષિત હવાના સંપર્કમાં આવે છે, જે શહેરીજનોના આરોગ્ય માટે ચિંતાજનક સ્થિતિ ઊભી કરે છે. બીજી તરફ, કચરો ઉપાડતાં કેટલાક વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ સમસ્યામાં વધારો કરી રહ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન અમદાવાદનું વાર્ષિક PM10 સ્તર 101 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર નોંધાયું છે, જ્યારે રાષ્ટ્રીય ધોરણ મુજબ આ મર્યાદા 60 માઇક્રોગ્રામ છે.
અમદાવાદમાં વાહન પ્રદૂષણ બન્યું ગંભીર ચિંતાનો વિષય
અમદાવાદમાં વાહનોની વધતી સંખ્યા અને જૂના તથા વધુ ધુમાડો છોડતાં વાહનોને કારણે હવાની ગુણવત્તા પર અસર થઈ રહી છે. વાહનોમાંથી નીકળતા ઉત્સર્જનને કારણે રસ્તા પર ચાલતા લોકો ઉપરાંત ટ્રાફિકમાં લાંબો સમય પસાર કરતા લોકો પણ પ્રદૂષણના સીધા સંપર્કમાં આવે છે. આ સ્થિતિમાં વાહનોનું નિયમિત PUC (Pollution Under Control) સર્ટિફિકેટ મેળવવું અને પ્રદૂષણના ધોરણોનું પાલન કરાવવું અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.
ગુજરાતના CO2 ઉત્સર્જનમાં વાહનવ્યવહારનો 13% હિસ્સો
વર્ષ 2023ના આંકડા મુજબ ગુજરાતના કુલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં વાહનવ્યવહાર ક્ષેત્રનો હિસ્સો આશરે 13 ટકા હતો. અમદાવાદ જિલ્લાની સ્થિતિ વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે, જ્યાં વાહનવ્યવહાર ક્ષેત્રનો હિસ્સો આશરે 36 ટકા સુધી પહોંચ્યો હોવાનું જણાવાયું છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદમાં વાહનોમાંથી થતું ઉત્સર્જન વાયુ પ્રદૂષણ ઉપરાંત કાર્બન ઉત્સર્જનમાં પણ મહત્વનો ફાળો આપી રહ્યું છે.
CAG રિપોર્ટમાં PUCને લઈને મોટો ખુલાસો
વાહનોના પ્રદૂષણ નિયંત્રણ અંગે CAGના ઓડિટ રિપોર્ટમાં પણ ગંભીર બેદરકારી સામે આવી છે. માર્ચ 2024 સુધીના ઉપલબ્ધ ડેટા મુજબ ગુજરાતમાં આશરે 39.13 લાખ વાહનોના PUC સર્ટિફિકેટની મુદત પૂર્ણ થઈ ગઈ હતી, તેમ છતાં આ વાહનો રસ્તા પર દોડી રહ્યા હતા. આ ઉપરાંત, 2009થી 2019 દરમિયાન રજિસ્ટર્ડ થયેલા આશરે 69.29 લાખ વાહનોએ 2019થી 2024 દરમિયાન એક પણ વખત PUC રિન્યૂ કરાવ્યું ન હોવાનું ઓડિટમાં નોંધાયું હોવાનું જણાવવામાં આવ્યું છે.
CCTV અને ઈ-ચલાણની વ્યવસ્થા કેટલી અસરકારક?
અમદાવાદમાં પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે કાર્યવાહી કરવા માટે 110 જંક્શન પર 1,079 CCTV કેમેરા લગાવીને ઈ-ચલાણ દ્વારા કાર્યવાહી કરવાની યોજના બનાવવામાં આવી હતી. જો, કે પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે આ વ્યવસ્થાની અસરકારકતા અંગે સવાલો ઊભા થયા છે. નિયમો હોવા છતાં જો PUC વિના વાહનો રસ્તા પર ફરતા રહે અને ધુમાડો છોડતા વાહનો સામે સમયસર કાર્યવાહી ન થાય, તો પ્રદૂષણ નિયંત્રણના પ્રયાસોનો હેતુ નબળો પડી શકે છે.
કડક અમલ વિના પ્રદૂષણ નિયંત્રણ મુશ્કેલ
ગુજરાતમાં લાખો વાહનોના PUCની મુદત પૂરી થઈ હોવાના આંકડા સામે આવ્યા બાદ હવે નિયમોના અસરકારક અમલની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની છે. નિયમિત PUC ચકાસણી, ધુમાડો છોડતા વાહનો સામે તાત્કાલિક કાર્યવાહી અને CCTV આધારિત ઈ-ચલાણની અસરકારક અમલવારીથી જ વાહન પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવામાં મદદ મળી શકે છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરમાં વધતું વાહન પ્રદૂષણ હવે માત્ર ટ્રાફિકની સમસ્યા નહીં, પરંતુ પર્યાવરણ અને જાહેર આરોગ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો બની રહ્યો છે.








