મારું ગુજરાત

GTUના CCC પરીક્ષા કૌભાંડમાં પકડાયેલા 39 ઉમેદવારોને બઢતી અને પગારધોરણનો લાભ પણ મળ્યો

25 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
GTUના CCC પરીક્ષા કૌભાંડમાં પકડાયેલા 39 ઉમેદવારોને બઢતી અને પગારધોરણનો લાભ પણ મળ્યો

GTU CCC Exam Scam: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ની વિવાદાસ્પદ CCC પરીક્ષાના પરિણામમાં ગુણની કથિત છેડછાડનો મામલો બે વર્ષથી વધુ સમય વીતી જવા છતાં ઉકેલાયો નથી. એક્સપર્ટ કમિટીના રિપોર્ટમાં 39 ઉમેદવારોનાં પરિણામમાં ગેરરીતિ સામે આવી હોવા છતાં તેમની સામે આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. એટલું જ નહીં, આ ઉમેદવારો પરીક્ષામાં પાસ થયાના આધારે નોકરીમાં બઢતી અને ઉચ્ચતર પગારધોરણનો લાભ પણ મેળવી ચૂક્યા છે. બીજી તરફ, આ કેસમાં સસ્પેન્ડ કરાયેલા બે અધિકારીઓનું સસ્પેન્શન લંબાવવામાં આવ્યું છે અને તેમને 75 ટકા પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. આ સ્થિતિને પગલે યુનિવર્સિટીની તપાસ પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે.

2018માં સામે આવી હતી પરિણામમાં છેડછાડની ફરિયાદ
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે CCC પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોવાથી ગુજરાત સરકારે શરૂઆતમાં આ પરીક્ષા લેવાની જવાબદારી GTUને સોંપી હતી. વર્ષ 2018માં પરીક્ષાનાં પરિણામમાં છેડછાડ થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી. તે સમયે પરીક્ષાના કો-ઓર્ડિનેટરે પુરાવા સાથે સમગ્ર વિગતો તત્કાલીન ઇન્ચાર્જ રજિસ્ટ્રારને સોંપી હતી. જોકે, યુનિવર્સિટીની આંતરિક તપાસ બાદ ટેક્નિકલ ખામી થઈ હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું, પરંતુ પરિણામમાં કોઈ ગોટાળો થયો ન હોવાનું જાહેર કરાયું હતું. બીજી તરફ, પરીક્ષાના કો-ઓર્ડિનેટરનો આક્ષેપ હતો કે પરિણામ તૈયાર કરીને IT વિભાગના વડાને સોંપવામાં આવ્યું ત્યારે તેમાં જે ગુણ અને વિગતો હતાં, તેના કરતાં જાહેર થયેલું પરિણામ તદ્દન અલગ હતું. આ વિવાદ બાદ લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી થઈ નહોતી. એટલું જ નહીં, વચ્ચે ત્રણથી ચાર વર્ષ સુધી યુનિવર્સિટીએ CCC પરીક્ષા લેવાનું પણ બંધ કરી દીધું હતું.

એક્સપર્ટ કમિટીના રિપોર્ટમાં 39 ઉમેદવારોનાં પરિણામમાં ગોટાળો
સમય જતાં CCC પરીક્ષા કૌભાંડનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ આશરે અઢી વર્ષ પહેલાં GTU દ્વારા બહારના ત્રણ નિષ્ણાત સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ તપાસ પૂર્ણ કર્યા બાદ રજૂ કરેલા રિપોર્ટમાં 39 ઉમેદવારોનાં પરિણામમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું હતું. આ રિપોર્ટના આધારે ઓક્ટોબર 2024માં IT સેક્શન ઓફિસર અને નેટવર્ક એડમિનિસ્ટ્રેટર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બંને અધિકારીઓને અન્ય સંલગ્ન કોલેજમાં બદલીથી મૂકવામાં આવ્યા હતા.

બે વર્ષથી વધુ સમય બાદ પણ ખાતાકીય તપાસ અધૂરી
આ પ્રકરણમાં સૌથી મોટો સવાલ તપાસની ગતિ અને કાર્યવાહી સામે ઊભો થયો છે. બે વર્ષ કરતાં વધુ સમય વીતી જવા છતાં બંને સસ્પેન્ડ અધિકારીઓ સામેની ખાતાકીય તપાસ પૂર્ણ થઈ નથી. વધુ ચોંકાવનારી બાબત એ છે કે જે 39 ઉમેદવારોનાં પરિણામમાં ગેરરીતિ થઈ હોવાનો એક્સપર્ટ કમિટીએ રિપોર્ટ આપ્યો હતો, તેમને હજુ સુધી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા નથી. આ મામલે રાજ્ય સરકારને પણ જાણ કરવામાં આવી ન હોવાની વિગતો સામે આવી છે. પરિણામે, આ 39 ઉમેદવારો પરીક્ષામાં પાસ થયાના આધારે નોકરીમાં બઢતી અને ઉચ્ચતર પગારધોરણ સહિતના લાભો મેળવી ચૂક્યા છે. એટલે કે, તપાસનો રિપોર્ટ હોવા છતાં સંબંધિત ઉમેદવારોને મળેલા લાભો યથાવત્ રહ્યા છે.

સસ્પેન્ડ અધિકારીઓને 75 ટકા પગાર, ન પોલીસ ફરિયાદ કે સજા
એક તરફ કથિત ગેરરીતિનો લાભ મેળવનારા ઉમેદવારોને બઢતી અને પગારધોરણનો લાભ મળી ગયો છે, તો બીજી તરફ સસ્પેન્ડ કરાયેલા બંને અધિકારીઓનું સસ્પેન્શન વધુ છ મહિના માટે લંબાવવામાં આવ્યું છે. સાથે જ તેમને 75 ટકા પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે આજદિન સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. કોઈ ઉમેદવારનું પરિણામ પણ રોકવામાં આવ્યું નથી કે જવાબદાર સામે કોઈ અંતિમ શિક્ષાત્મક કાર્યવાહી થઈ નથી. આ સંજોગોમાં GTUના CCC પરીક્ષા કૌભાંડની તપાસ સામે અનેક સવાલો ઊભા થયા છે. 39 ઉમેદવારોનાં પરિણામમાં ગેરરીતિનો રિપોર્ટ હોવા છતાં તેમની સામે કાર્યવાહી કેમ નથી થઈ? તપાસ પૂર્ણ કરવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે? અને જો ગેરરીતિ થઈ હતી તો તેના આધારે મળેલા બઢતી તથા પગારધોરણના લાભો અંગે નિર્ણય ક્યારે લેવાશે? આ સવાલોના જવાબની હવે રાહ જોવાઈ રહી છે.

Tags:
GujaratVandanGujarat Education NewsGTU Investigation39 CandidatesCCC Result Manipulation
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026