GSRTC to run 1300 extra buses: હોળી અને ધૂળેટીના પર્વોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ મુસાફરોને સરળ અને સુવિધાજનક પરિવહન મળે તે માટે વિશેષ આયોજન જાહેર કર્યું છે. રાજ્યભરના શહેરોમાં રોજગાર માટે વસવાટ કરતા લોકો પોતાના વતનમાં પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે હેતુથી નિગમ દ્વારા વધારાની બસ સેવા શરૂ કરવામાં આવશે.
મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ
હોળી અને ધૂળેટીના દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા મોટા પ્રમાણમાં વધતી હોય છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા શહેરોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટાઉદેપુર તરફ જતા મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ છે. વધતી માંગને પહોંચી વળવા માટે નિગમ 1300 વધારાની બસો દ્વારા કુલ 7500 ટ્રિપોનું સંચાલન કરશે. આ આયોજનથી ગ્રામ્ય વિસ્તારોમાં જતા મુસાફરોને રાહત મળશે અને ભીડનો દબાણ ઘટશે.
દ્વારકા અને ડાકોર માટે વિશેષ વ્યવસ્થા
હોળીના પર્વ દરમિયાન દ્વારકાધીશ મંદિર અને ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે વિશાળ સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચતા હોય છે. ડાકોરમાં ફૂલડોલોત્સવ અને દ્વારકામાં ઉજવાતી હોળી નિમિત્તે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ વર્ષે પણ ભક્તોને સરળતાથી દર્શન મળી રહે તે માટે 450 વધારાની બસો ફાળવવામાં આવી છે, જે દ્વારા આશરે 3500 ટ્રિપો સંચાલિત થશે.
એડવાન્સ બુકિંગ અને પૂછપરછ સુવિધા
આ વિશેષ બસ સેવા 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે. ભીડ અને ટિકિટની અછત ટાળવા માટે મુસાફરોને ઓનલાઇન એડવાન્સ બુકિંગ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મુસાફરો gsrtc.in વેબસાઈટ અથવા GSRTC મોબાઈલ એપ્લિકેશન મારફતે ટિકિટ બુક કરી શકશે. આ ઉપરાંત, કોઈપણ પ્રકારની માહિતી અથવા સહાય માટે મુસાફરો 24 કલાક ઉપલબ્ધ ટોલ ફ્રી નંબર 1800 233 666666 પર સંપર્ક કરી શકે છે. દરેક એસ.ટી. ડેપો પરથી પણ વધારાની બસોની માહિતી અને ટિકિટ મળી રહેશે. હોળી-ધૂળેટીના પર્વ દરમિયાન વધતી મુસાફરીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું આ આયોજન રાજ્યભરના મુસાફરો માટે રાહતરૂપ સાબિત થશે.








