Stone Pelting in Sanand: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં સોશિયલ મીડિયામાં વર્ચસ્વ જમાવવાની ઘેલછાએ હિંસક વળાંક લીધો છે. બે જૂથના યુવાનો વચ્ચે સોશિયલ મીડિયા પોસ્ટ અને ‘સામે જોવાની’ જેવી ક્ષુલ્લક બાબતે શરૂ થયેલો વિવાદ ઉગ્ર પથ્થરમારામાં પરિણમ્યો હતો. સોમવાર રાત્રિથી શરૂ થયેલી આ અફરાતફરી મંગળવારે સવારે વધુ વકરતા સમગ્ર ગામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.
ઝઘડાનું મૂળ: ‘સામે કેમ જુએ છે’ અને સોશિયલ મીડિયા વોર
આ હિંસક ઘટનાની શરૂઆત સોમવારે ગામના તળાવના પાળે થઈ હતી. સાણંદ ડિવિઝનના DySP નીલમ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, એક જૂથના બે યુવકો અને અન્ય જૂથના એક યુવક વચ્ચે એકબીજાની સામે જોવાની બાબતે બોલાચાલી થઈ હતી. જોકે, આ વિવાદ પાછળનું મુખ્ય કારણ છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં બંને જૂથો વચ્ચે ચાલતી વર્ચસ્વની લડાઈ હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર મૂકાતી પોસ્ટ અને વીડિયો અંગે ચાલી રહેલા મનદુખે સોમવારે રાત્રે હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષોના ટોળા સામસામે આવી ગયા હતા.
પથ્થરમારો અને પોલીસનું મેગા કોમ્બિંગ
સોમવારે રાત્રે થયેલી મારામારી બાદ મંગળવારે સવારે ફરી એકવાર મામલો બિચક્યો હતો. બંને જૂથોએ સામસામે પથ્થરમારો શરૂ કરતા ગામમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સાણંદ GIDC પોલીસ સહિત અન્ય પોલીસ ટીમો કાફલા સાથે કલાણા ગામ પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ અથડામણમાં કેટલાક લોકોને સામાન્ય મૂઢમાર અને લોહી નીકળવા જેવી ઈજાઓ થઈ છે, જોકે સદનસીબે કોઈને ગંભીર ઈજા કે ફ્રેક્ચર થયું નથી.
30 લોકો રાઉન્ડ અપ, 40 સામે ગુનો નોંધાયો
અમદાવાદ ગ્રામ્ય એસપીના જણાવ્યા અનુસાર, આ મામલે પોલીસે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધીને કુલ 40 જેટલા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. મંગળવારે સવારે પોલીસે સમગ્ર ગામમાં કોમ્બિંગ હાથ ધરીને અત્યાર સુધીમાં 30 જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પરની ગતિવિધિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે અને જે કોઈની સંડોવણી હશે તેને છોડવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.
હાલ ગામમાં ‘ભારેલા અગ્નિ’ જેવી સ્થિતિ
હાલમાં કલાણા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું પોલીસ જણાવી રહી છે. જોકે, ગામમાં હજુ પણ તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે. પોલીસે સોશિયલ મીડિયામાં ભડકાવ પોસ્ટ ન મૂકવા અને અફવાઓથી દૂર રહેવા ગ્રામજનોને અપીલ કરી છે. સાણંદ ડિવિઝન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.








